પ્રજાએ કોઈને બહુમતી ના આપી, આ જનાદેશ મોદી વિરુદ્ધ: ખડગે
JDU, TDP સાથેના ગઠબંધનના સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું, અમે અમારા I.N.D.I.A. ગઠબંધનના નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ આ મુદ્દે નિર્ણય થશે
લોકસભા ચૂંટણીમાં 400 પારનો નારો આપનાર NDA અત્યારે 300ને પાર પણ નથી કરી શક્યું. ભાજપને ઉત્તર પ્રદેશ અને બંગાળ જેવા રાજ્યોમાં ઘણું જ નુકસાન થયું છે. મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધનનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. કોંગ્રેસે આ જીતને જનતાની જીત ગણાવી છે.
ચૂંટણી પરિણામો આવ્યા છે, તેમાં લોકોની અને લોકશાહીની જીતઃ ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં ખડગેએ જણાવ્યું કે, દેશમાં જે ચૂંટણી પરિણામો આવ્યા છે, તેમાં લોકોની અને લોકશાહીની જીત થઈ છે. અમે અગાઉથી જ કહી રહ્યા હતા કે, આ લડાઈ અમારી મોદી વિરુદ્ધ જનતાની છે. દેશના મતદારોએ કોઈપણ પક્ષને બહુમતી આપી નથી. ખાસ કરીને સત્તાધારી પક્ષ, જેઓ માત્ર એક જ ચહેરા પર મત માગતા હતા. આ જમાદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ છે.
જુઓ પ્રેસ કોન્ફરન્સમાં શું બોલ્યા રાહુલ ગાંધી અને મલ્લિકાઅર્જુન ખડગે
https://x.com/ANI/status/1797970921363550345
18મી લોકસભા ચૂંટણીમાં અમે વિનમ્રતાથી રિઝલ્ટ સ્વીકારીએ છીએ. આ સ્પષ્ટ છે કે આ મેન્ડેટ વડાપ્રધાન મોદી વિરુદ્ધ છે. આ મોદીજીની નૈતિક હાર છે. અમારા ખાતા સીઝ કરવામાં આવ્યા. સરકારી એજન્સીઓએ ડગલેને પગલે અડચણો નાખી. આ લોકતંત્રની જીત છે.
ખડગેએ જણાવ્યું કે, અમારી પાસે સંશાધનોની અછત હોવા છતાં અમે ચૂંટણી લડી. અમારા બેંક એકાઉન્ટે સીઝ કરવામાં આવ્યા, તેમ છતાં અમે લોકોના મુદ્દાઓ ઉઠાવ્યા. ખડગેએ રાહુલ ગાંધીની બંને યાત્રાઓ અને લોકો સાથે કરેલી મુલાકાતને કોંગ્રેસના પ્રચારનો આધાર ગણાવ્યો. તેમણે કહ્યું કે અમે આ આધાર પર અમારું ગેરંટી કાર્ડ બનાવ્યું અને અમે લોકોને સમજાવવામાં સફળ રહ્યા.
આ લડાઈ બંધારણને બચાવવાની હતીઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પરિણામો બાદ પત્રકારોને સંબોધતાં કહ્યું કે, આ ચૂંટણી કોંગ્રેસ અને I.N.D.I.A. ગઠબંધન ન માત્ર એક રાજકીય પક્ષ સામે લડી પરંતુ વિપક્ષે સરકારી એજન્સીઓ વિરુદ્ધ પણ ચૂંટણી લડી. આ સંસ્થાઓને મોદી સરકારે ડરાવ્યા અને ધમકાવ્યા છે. આ ચૂંટણી ઈડી, સીબીઆઈ વિરુદ્ધ હતી.
આ લડાઈ અમારી અને ભાજપ વચ્ચે કે પીએમ મોદી વિરુદ્ધ નહોતી પરંતુ અમારી લડાઈ બંધારણ બચાવવાની હતી અને આ લડાઈમાં અમારો સાથ આપવા બદલ હું દરેક નાગરિકો, મતદારો, અમારા ગઠબંધનના સાથીઓ બધાને શુભેચ્છા પાઠવવા માગુ છું. અમારા I.N.D.I.A. ગઠબંધને જ્યાં પણ ચૂંટણી લડી ત્યાં એકજૂટ થઇને લડ્યાં. કોંગ્રેસે દેશને નવું વિઝન આપી દીધું છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, જ્યારે આ લોકોએ અમારા બેંક ખાતા ફ્રીઝ કર્યા. વિપક્ષી નેતાઓને જેલમાં નાખ્યા તો મને વિશ્વાસ હતો કે આપણાં દેશની જનતા બંધારણ બચાવવા માટે વોટ કરશે. અમે I.N.D.I.A ગઠબંધનનું માન જાળવ્યું. દેશને અમે નવું વિઝન આપી દીધું છે.
જ્યારે પત્રકારોએ તેમણે પૂછ્યું કે I.N.D.I.A. ગઠબંધન સરકાર બનાવવા માટે શું વિચારી રહી છે? જેના પર રાહુલ ગાંધીએ કહ્યું, અમે અમારા I.N.D.I.A. ગઠબંધનના નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ આ મુદ્દે નિર્ણય લેશે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસે સારા પ્રદર્શન પર રાહુલ ગાંધીએ કહ્યું કે, આ મારી બહેનની મહેનતની જીત છે જે આ પ્રેસ કોન્ફરન્સમાં અમારી પાછળ છુપાયેલી છે.
રાહુલ ગાંધીએ અદાણીનો ઉલ્લેખ કરી મોદી સરકાર સામે તાક્યું નિશાન
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પરિણામો બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ફરી એકવાર અદાણીનો મુદ્દો ઊઠાવ્યો હતો. તેમણે કહ્યું કે તમે પણ જોયું હશે કે જેવા જ ભાજપના હારવાના અહેવાલ આવ્યા કે અદાણીના શેરોમાં પણ મોટો કડાકો આવ્યો. તમને આ લિંક સમજાઈ જવી જોઈએ. હવે લોકો આ વાતને સમજવા લાગ્યા છે કે મોદી ગયા તો અદાણી ગયા.