અનંત-રાધિકાનાં લગ્ન Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ થશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. હવે તેમના લગ્નનું આમંત્રણ વાઈરલ થયું છે. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન હાલ ઈટલીમાં યોજાઈ રહ્યું છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અંબાણી પરિવાર તેમના દીકરાના લગ્નને ભવ્ય અને યાદગાર બનાવવા માટે કોઈ કસર નથી છોડી રહ્યો. ઇટાલીમાં બીજા પ્રી-વેડિંગ સેરેમનીની ઉજવણી વચ્ચે આ કપલના લગ્નનું કાર્ડ જાહેર થયું છે. જે મુજબ લગ્નના તમામ ફંક્શન મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં યોજાશે.
વાયરલ પોસ્ટ અનુસાર, મુંબઈમાં લગ્નની ઉજવણી 12 જુલાઈથી 14 જુલાઈ સુધી ત્રણ દિવસ સુધી ચાલશે. 12 જુલાઈ, શુક્રવારના રોજ શુભ લગ્ન સમારોહ સાથે મુખ્ય લગ્નના ફંક્શન શરૂ થશે. જ્યારે શુભ આશીર્વાદ સમારોહ 13મી જુલાઈએ થશે. 14 જુલાઈએ તેમના લગ્નનું રિસેપ્શન યોજાશે. આ લગ્ન Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ થશે.

કાર્ડ પર શું લખ્યું છે
આમંત્રણ કાર્ડમાં લખ્યું છે, “શ્રીમતી કોકિલાબેન અને શ્રી ધીરુભાઈ અંબાણી, શ્રીમતી પૂર્ણિમાબેન અને શ્રી રવિન્દ્રભાઈ દલાલના આશીર્વાદ સાથે, અમે તમને અમારા પુત્ર અનંત અને રાધિકાના જોડાણની ઉજવણી કરવા માટે આમંત્રિત કરતાં આનંદ અનુભવીએ છીએ.”
જણાવી દઈએ કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં વિશ્વભરના ફેમસ સેલેબ્રિટીસ સામેલ થયા હતા. જ્યારે હાલમાં બીજું પ્રી-વેડિંગ ફંક્શન ઈટલીમાં યોજાઈ રહ્યું છે.