ચાર જૂન બાદ ઈન્ડિ ગઠબંધન તૂટતું જોવા મળશે ખટાખટ ખટાખટ… પરાજય થયા બાદ બલિનો બકરો શોધાશે ખટાખટ ખટાખટ….
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની પ્રતાપગઢ બેઠક પર ભાજપ (BJP)ની જનસભામાં સંબોધન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે રાહુલ ગાંધીના ‘ખટાખટ ખટાખટ’વાળા નિવેદનનો જડબાતોડ જવાબ આપવાની સાથે ઉત્તર પ્રદેશના વિકાસનો ઉલ્લેખ કરી અખિલેશ પર પણ નિશાન સાધ્યું હતું.
એક ચૂંટણી સભામાં રાહુલે કહ્યું હતું કે, ‘અમારી સરકાર બન્યા બાદ બેંક ખાતાઓમાં ખટાખટ ખટાખટ નાણાં મોકલાશે.’ ત્યારે વડાપ્રધાને રાહુલ નિવેદનને ટાંકીને કહ્યું કે, ‘તેમના મગજને કોઈ સમજાવે કે, રાયબરેલીની પ્રજા પણ તેમને ખટાખટ ખટાખટ ઘરે મોકલી દેશે. તેઓ અમેઠી (Amethi)થી ગયા હવે રાયબરેલી (Raebareli)માંથી પણ જશે.’ આ દરમિયાન તેમણે અખિલેશ પર નિશાન સાધતા કહ્યું કે, ‘સમાજવાદી પાર્ટીના કારણે ઉત્તર પ્રદેશ પાછળ ધકેલાયું હતું, હવે અહીં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે.’ ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે આ વખતની લોકસભા ચૂંટણીમાં સોનિયા ગાંધી (Sonia Gandhi)ની અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, ‘દેશ ચલાવવો સોનાની ચમચી લઈને જન્મેલા બાળકોનો ખેલ નથી. દેશ ચલાવવો તમારું કામ નથી. ચાર જૂન બાદ મોદીની સરકાર તો આવશે જ, આ સાથે ઘણું બધુ થવાનું છે. ચાર જૂન બાદ ઈન્ડિ ગઠબંધન તૂટતું જોવા મળશે ખટાખટ ખટાખટ… પરાજય થયા બાદ બલિનો બકરો શોધાશે ખટાખટ ખટાખટ…. લખનઉવાળા શહેજાદા (અખિલેશ યાદવ) અને દિલ્હીવાળા શહેજાદા (રાહુલ ગાંધી) ઉનાળાની રજાઓ ગાળવા દેશમાંથી બહાર જતા રહેશે ખટાખટ ખટાખટ. આ બંને લોકો ખટાખટ ખટાખટ ભાગી જશે, ત્યારે માત્ર અમે એકલા જ રહીશું.’
વડાપ્રધાને કહ્યું કે, ‘મોદી છે, ત્યાં સુધી આ લોકો ધર્મના નામે દલિતો-પછાતના અનામતની લૂંટ કરવાનું વિચારી પણ નહીં શકે. મોદી છે, તેથી તેમના માટે અસંભવ છે. જ્યાં સુધી મોદી છે, ત્યાં સુધી રામલલાને ટેન્ટમાં મોકલવાના દિવસો નહીં આવે. દેશની પ્રજા આવા લોકોને ટેન્ટમાં રહેવા મજબૂર કરી દેશે. તમારી સંપત્તિ વોટ જેહાદ કરનારા લોકોને વેચાશે, પરંતુ મોદી આવું ક્યારેય થવા નહીં દે. સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ની રાજનીતિથી સૌથી વધુ નુકસાન ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)ને થયું છે. પરિવારવાદ અને તૃષ્ટિકરણના કારણે રાજ્યની અધોગતિ થઈ હતી, પરંતુ હવે યુપી ફરી વિકાસના પાટા પણ દોડી રહ્યું છે.’
અનામત અને બંધારણની વાત છેડતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘કોંગ્રેસ અને ઈન્ડિ ગઠબંધન (Congress And I.N.D.I.A. Alliance) 10 વર્ષથી સત્તામાંથી બહાર છે. તેમની કાળી કમાણી ખતમ થઈ ગઈ છે, તેથી જ તેમની નજર દેશની તિજોરી પર છે.’ અનામત ખતમ કરવાના અને બંધારણને બદલવાના આક્ષેપો પર વડાપ્રધાને વળતો જવાબ આપતા કહ્યું કે, ‘કોંગ્રેસે કર્ણાટક અને તેલંગણામાં OBCનું અનામત લઘુમતીઓને આપી દીધું છે. તેઓ બંધારણ બદલી દેશભરમાં આવું કરવા માંગે છે અને સમાજવાદી પાર્ટી આ મુદ્દે કશું જ બોલતી નથી. તેમની તૃષ્ટિકરણની નીતિ માત્ર અહીં જ અટકી નથી, આ લોકો મોદી વિરુદ્ધ વૉટ જેહાદ કરી રહ્યા છે. તેમના લોકોએ જ કહ્યું કે, તેમની સરકાર આવશે તો રામલલાને ફરી ટેન્ટમાં મોકલી દેશે અને રામ મંદિરને તાળું મારી દેશે.’