CAA હેઠળ 300 લોકોને પહેલી વાર ભારતીય નાગરિકતા મળી, 14 લોકોને આપ્યા સિટીઝનશિપ સર્ટિફિકેટ

caa-certificate

CAA લાગુ થયા બાદ પ્રથમ વખત કેન્દ્ર સરકાર દ્વારા 300 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. ગૃહમંત્રાલયે આવા 14 લોકોને આજે ઓનલાઈન સર્ટિફિકેટ આપ્યા છે. મંત્રાલયે 14 શરણાર્થિઓને આજે દિલ્હી બોલાવ્યા હતા, જ્યાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ તેમને પ્રતિકાત્મક સર્ટિફિકેટ આપી અભિનંદન પાઠવ્યા છે. આ શરણાર્થિઓ ઘણા વર્ષોથી ભારતની નાગરિકતા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.

ભારત સરકારે 11 માર્ચ 2024નાં રોજ નાગરિકતા સંશોધન અધિનિયમ, 2024નું નોટિફિકેશન જાહેર કર્યું હતું. નાગરિકતા સંશોધન અધિનિયમનું નોટિફિકેશન બહાર પાડ્યા બાદ આજે પહેલી વખત 14 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી અને સિટીઝનશિપ સર્ટિફિકેટ સોંપવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માહિતી આપી હતી.

પીટીઆઈ મુજબ એક સત્તાવાર પ્રવક્તાએ કહ્યું કે, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ એક પોર્ટલના માધ્યમથી તેમની અરજીઓને ઓનલાઈન સંશોધિત કર્યા બાદ 14 લોકોને પ્રમાણ પત્ર આપવા સાથે અરજદારોને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે અરજી કરનારને નાગરિકતા સંશોધન અધિનિયમની મહત્વપૂર્ણ વાતો પણ સમજાવી. આ પ્રસંગે સચિવ, ડિરેક્ટર અને ભારતના રજિસ્ટ્રાર જનરલ સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.

કેન્દ્ર સરકારે આ વર્ષે 11 માર્ચે, દેશમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA લાગુ કર્યો હતો. આ કાયદા હેઠળ, ભારતના ત્રણ પાડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં અત્યાચાર ગુજારાયેલા લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. જો કે, આ કાયદાનો લાભ ફક્ત તે લોકોને જ મળી શકે છે જેઓ 31 ડિસેમ્બર અથવા તે પહેલા ભારત આવ્યા હોય. આ કાયદા હેઠળ પડોશી દેશમાંથી ભારતમાં આવેલ હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓએ અરજી કરી હતી.

ડિસેમ્બર 2019 માં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને ભારતીય નાગરિકતા આપવા માટે સીએએ ઘડવામાં આવ્યો હતો. જેઓ 31 ડિસેમ્બર, 2014 ના રોજ અથવા તે પહેલાં ભારતમાં આવ્યા હોવા જોઈએ. નાગરિકતા કાયદો નેચરલાઈઝેશન દ્વારા નાગરિકતા પ્રદાન કરે છે. અરજદાર છેલ્લા 12 મહિના દરમિયાન અને છેલ્લા 14 વર્ષમાં 11 મહિના ભારતમાં રહેતો હોવો જોઈએ. સીએએ કાયદો, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં અત્યાચારનો ભોગ બનેલ છ ધર્મો હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી વ્યક્તિઓ માટે છે.

નાગરિકતા સંશોધન બિલ પહેલી વખત 2016માં લોકસભામાં રજૂ કરાયું હતું. અહીં તો તે પાસ થઈ ગયું હતું પરંતુ રાજ્યસભામાં અટકી ગયું. બાદમાં તેણે સંસદીયય સમિતિ સમક્ષ મોકલવામાં આવ્યું અને પછી ચૂંટણી આવી ગઈ. બીજી વખત ચુંટાયા બાદ નવી સરકાર બની તેથી ડિસેમ્બર 2019માં તેણે લોકસભામાં ફરી રજૂ કરાયું. આ વખતે તે બિલ લોકસભા અને રાજ્યસભા બંને જગ્યાએથી પાસ થઈ ગયું હતું.