મંડી બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જામવાની સંભાવના છે
ભાજપના હિમાચલ પ્રદેશના મંડી લોકસભા બેઠક પર કંગના રનૌતે આજે ઉમેદવારી નોંધાવી હતી. બોલિવૂડ ક્વીન કંગના રનૌતે રિટર્નિંગ ઓફિસર મંડી અપૂર્વ દેવગન સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. આ દરમિયાન તેમના હિમાચલ પ્રદેશના પૂર્વ સીએમ જયરામ ઠાકુર પણ હાજર રહ્યા હતા. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પડ્ડલ મેદાનથી ગાંધી ચોક સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંડીથી ઉમેદવારી દાખલ કરતાં પહેલા કંગના રનૌતે મંડીમાં રોડ શો પણ કર્યો હતો. આ દરમિયાન જયરામ ઠાકુર તથા અન્ય ભાજપના નેતાઓ તેમના પ્રચારમાં હાજર હતા. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો પહોંચ્યા હતા. પડ્ડલ મેદાનથી કંગના રનૌત અને ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ ફૂલોથી શણગારેલી ગાડીમાં ગાંધી ચોક આવ્યા હતા. અહીંથી કંગના રનૌત પોતાનું નામાંકન ભરવા માટે પાંચ નેતા સાથે ચૂંટણી અધિકારીની ઓફિસ પહોંચી હતી. રાજ્યના છ જિલ્લા મંડી, શિમલા, લાહૌલ સ્પીતિ, કિન્નૌર, ચંબા અને કુલ્લુના ભાજપના કાર્યકરો મંડી પહોંચ્યા હતા. પુરુષો અને મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં દુર્ગમ વિસ્તારોમાંથી આવ્યા હતા.
કંગનાએ કહ્યું કે, સમગ્ર ભારતવર્ષ માટે આ સૌભાગ્યની વાત છે કે, પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. મંડીની પુત્રીને આ તક આપીને તેણે સમગ્ર હિમાચલનું ગૌરવ વધાર્યું છે.
અભિનેત્રી કંગના રનૌતે કહ્યું, મને આશા છે કે, મારી આ પહેલી અને છેલ્લી ચૂંટણી નહી થાય. મને ઘણી વખત નાની કાશીમાંથી નોમિનેશન ભરવાની તક મળે. હવે 4 જૂને વિજય ધ્વજ લહેરાવીએ.
મંડી બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર જામવાની સંભાવના રહેલી છે. કારણ કે કંગના રનૌતની આ પ્રથમ ચૂંટણી છે. કોંગ્રેસે અહીંથી દિવંગત નેતા વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને મેદાનમાં ઉતાર્યા છે. બંને વચ્ચે જોરદાર ટક્કર થવાની છે. કંગનાને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ અને કામથી કરિશ્મા મળશે. છેલ્લા એક મહિનાથી પ્રચાર દરમિયાન તે પીએમ મોદીની ગાથા વાંચી રહી છે. તે પોતાના વિરોધીઓને પપ્પુ, શહેજાદે અને બગડેલા કહીને નિશાન બનાવી રહી છે.
કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ માટે આ સંસદીય ક્ષેત્ર નવું નથી. 1971 થી આ વિસ્તાર તેમની માતા પ્રતિભા સિંહ અને પિતા સ્વ. વીરભદ્ર સિંહની કર્મભુમી રહી છે. વિક્રમાદિત્ય સિંહે અહીંની મુખ્ય સમસ્યાઓ પર પોતાનું વિઝન સ્પષ્ટ કર્યું છે. કંગનાને તેના વિઝન વિશે પૂછવામાં આવી રહ્યું છે. આ રસપ્રદ હરીફાઈમાં કોણ જીતશે માત્ર મંડી સંસદીય ક્ષેત્રના લોકો જ નહીં પરંતુ સમગ્ર દેશની નજર આ બાબત પર છે.