નર્મદા જિલ્લાના પોઇચા સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે આવેલા સુરતનાં એક પરિવારના આઠ સભ્યો નર્મદા નદીમાં નાહવા ગયા ત્યારે તેઓ નદીના ઊંડા પાણીમાં ડુબી ગયા હતા. 7 પૈકી 1 વ્યક્તિનો સ્થાનિકો દ્વારા આબાદ બચાવ કરવામાં આવ્યો છે. જ્યારે 7 લોકો નદીના વહેણમાં તણાઈ જતા લાપતા બન્યા છે. જેમની શોધખોળ કરવામાં આવી રહી છે.
મૂળ અમરેલીના રહેવાસી અને હાલ સુરત રહેતા બલડણિયા કોટડી પરિવાર આજે સવારે રાજપીપળા પાસે આવેલા પોઇચા ગામે સ્વામીનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોના દર્શનાર્થે નીકળ્યા હતા. જ્યાં આ પરિવારનાં તમામ સભ્યો નર્મદા નદીમાં નાહવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન નર્મદા નદીના ઊંડા પાણીમાં પરિવારના 8 લોકો ડૂબવા લાગ્યા હતા. જે દરમિયાન બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો તેમને બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતા. જેમાં એક યુવાનને સ્થાનિકોએ બચાવી લીધો હતો. જ્યારે પરિવારના બાકીના સાત સભ્યો લાપતા થતા શોધખોળ ચાલી રહી છે.
ઘટનાની માહિતી મળતા રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. હાલ નર્મદા નદીમાં લાપતા થયેલા સુરતના પરિવારના સાત સભ્યોની શોધખોળ ચાલી રહી છે, ફાયર બ્રિગેડ તથા સ્થાનિક તરવૈયાઓ ડૂબી ગયેલા સાત સભ્યોની શોધખોળ કરી રહ્યા છે. ત્રણ બાળકો સહિત 7 લોકો નદીમાં ડુબી ગયાના સમાચાર મળતા દોડધામ મચી ગઇ છે.
નર્મદા નદીમાં ગરકાવ થયેલ લોકોનાં નામઃ
- ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા (45 વર્ષ)
- મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા (15 વર્ષ)
- આરનવ ભરતભાઈ બલદાણિયા (12 વર્ષ)
- વ્રજ હિંતમભાઈ બલદાણિયા (11 વર્ષ)
- ભાવેશ વલ્લભભાઈ હડિયા (15 વર્ષ)
- ભાર્ગવ અશોકભાઈ હડિયા (15 વર્ષ)
- આર્યન રાજુભાઈ ઝીંઝાળા (7 વર્ષ)
તમામ રહે. ક્રિષ્ના પાર્ક સોસાયટી, સણિયા હેમાદ સુરત