નક્સલીઓનો ટોપ કમાન્ડર શંકર રાવ માર્યો ગયો હોવાની આશંકા
લોકસભા ચૂંટણી પહેલા છત્તીસગઢના કાંકેરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણમાં 18 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ કાર્યવાહીમાં ત્રણ જવાનો પણ ઘાયલ થયા હતા. કાંકેરના છોટે બેઠિયા પોલીસ સ્ટેશનના કાલપર જંગલમાં અથડામણ ચાલી રહી છે. નક્સલવાદીઓ સાથેની આ મોટી અથડામણમાં નક્સલીઓનો ટોપ કમાન્ડર શંકર રાવ સહિત 25 લાખનું ઈનામ ધરાવનાર 18 નક્સલવાદીઓ માર્યા ગયા છે. ઘટના સ્થળેથી 5 AK 47 અને LMG હથિયારો મળી આવ્યા હોવાની માહિતી મળી છે.
સમાચાર એજન્સી PTI મુજબ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું- છોટે બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત જંગલમાં તે સમયે ફાયરિંગ શરુ થયું જ્યારે BSF અને જિલ્લા રિઝર્વ ગાર્ડની એક સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાન પર નીકળી હતી. તેમણે કહ્યું કે ફાયરિંગમાં ત્રણ પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.
સોમવારે દંતેવાડા જિલ્લામાં 26 નક્સલવાદીઓએ એકસાથે આત્મસમર્પણ કર્યું હતું. 1 લાખનું ઈનામ ધરાવનાર નક્સલવાદીઓ પણ આત્મસમર્પણ કર્યુ હતું. આ નક્સલવાદીઓએ જિલ્લામાં વધી રહેલા નક્સલ વિરોધી અભિયાન અને સરકારની પુનર્વસન નીતિ અને દંતેવાડા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલ લોન વર્રા ટુ અભિયાનથી પ્રભાવિત થઈને આત્મસમર્પણ કર્યું. છેલ્લા સાડા ત્રણ મહિનાથી ચલાવવામાં આવી રહેલી નવી રણનીતી મુજબ એન્ટી નક્સલ ઓપરેશનથી માઓવાદી સંગઠનની કમર તૂટી છે અને હવે સતત સ્થાનિક નક્સલી સંગઠનો છોડીને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી રહ્યાં છે.
કાંકરેમાં 29 એપ્રિલ એટલે કે બીજા તબક્કામાં મતદાન થવાનું છે. છત્તીસગઢમાં રાયપુર અને જગદલપુર વચ્ચે આવેલ કાંકેર લોકસભા ક્ષેત્રમાં 8 વિધાનસભા સીટ સામે છે જેમાંથી છ અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. આ વિધાનસભા સીટમાં ગુંડરદેહી, સંજારી બાલોદ, સિહાવા, ડોંડી લોહારા, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર અને કેશકાલ સામેલ છે. મૂળરુપથી બસ્તર જિલ્લાનો ભાગ કાંકેર 1998માં એક જિલ્લો બન્યો હતો.
બસ્તરના આઈજી સુંદરરાજ પીએ કહ્યું કે હેલિકોપ્ટરના માધ્યમથી મતદાન પક્ષોને નક્સલ પ્રભાવિત વિસ્તારના આંતરિક વિસ્તારોમાં બનાવવામાં આવેલા મતદાન મથકો પર લઈ જવામાં આવશે. તેમજ સૈનિકોને દુર્ગમ વિસ્તારોમાં પહોંચાડવાનું કામ હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવશે. જોકે, સુરક્ષાના કારણોસર આઈજીએ એ નથી જણાવ્યું કે બસ્તર લોકસભાના કયા વિસ્તારોમાં હેલિકોપ્ટરની મદદ લેવામાં આવશે. તેમણે કહ્યું કે આ વખતે મતદાન પાર્ટીની સુરક્ષા અને સૈનિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને ભારે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આવેલા મતદાન કેન્દ્રો અને વિસ્તારોમાં હેલિકોપ્ટરની મદદ લેવામાં આવશે.
છત્તીસગઢ બીજું સૌથી નક્સલી પ્રભાવિત રાજ્ય છે. ગૃહ મંત્રાલય મુજબ છત્તીસગઢના 14 જિલ્લા બલરામપુર, બસ્તર, વીજાપુર, દંતેવાડા, ધમતરી, ગરિયાબંધ, કાંકેર, કોંડાગાંવ, મહાસમુંદ, નારાયણપુર, રાજનંદગાંવ, સુકમા, કબીરધામ અને મુંગેલી નક્સલ પ્રભાવિત છે. આંકડા મુજબ છત્તીસગઢમાં નક્સલી હુમલામાં છેલ્લાં ઘણાં દિવસથી ઘટાડો નથી આવ્યો. જોવામાં આવે તો પ્રાંતમાં દર વર્ષે સરેરાશ સાડા ત્રણસોથી વધુ નક્સલી હુમલાઓ થયા છે. જેમાં દર વર્ષે સરેરાશ 45 જવાન શહીદ થાય છે.