રાજકોટથી અમદાવાદ વચ્ચે વિમાની સેવા રવિવારથી શરૂ, બુધવાર સિવાય સપ્તાહમાં 6 દિવસ ઉડાન ભરશે

indigo-rajkot-ahmedabad

રાજકોટમાં હીરાસર એરપોર્ટ ખુલ્લું મૂકવામાં આવ્યા પછી હવે રાજકોટ અને અમદાવાદ વચ્ચે વિમાની સેવા શરુ થવા જઈ રહી છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા વિમાનોની આવા-ગમનનું ઉનાળું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ સમયપત્રક મુજબ તારીખ 31 માર્ચ 2024 ને રવિવારથી રાજકોટ-અમદાવાદ વચ્ચે વિમાની સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજકોટ-અમદાવાદ વચ્ચે 72 સીટનું એ.ટી.આર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઈન્ડિગો એરલાઈન્સે બંને શહેરો વચ્ચે ફ્લાઈટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી.

એરપોર્ટ દ્વારા જાહેર કરાયેલ નવા સમયપત્રક મુજબ આ નવી ફલાઇટ બુધવાર સિવાય અઠવાડીયામાં 6 દિવસ ચાલું રહશે. આ ફ્લાઈટ રાજકોટથી બપોરે 3.50 વાગ્યે ટેક ઓફ કરશે અને જ્યારે અમદાવાદથી 2.35 વાગ્યે ટેકઓફ કરશે. જે બપોરે 3:30 વાગ્યે રાજકોટ એરપોર્ટ ઉપર લેન્ડ થશે અને માત્ર 20 મિનિટમાં 3.50 કલાકે પરત અમદાવાદ જવા રવાના થશે.

લાંબા અંતરની ફ્લાઈટ દ્વારા ભારતના કોઈ પણ વિસ્તારમાં જવા માગતા લોકો માટે તથા ખાસ કરીને પર્યટકો અને પ્રોફેશનલો માટે રાજકોટ અને અમદાવાદ વચ્ચે ફ્લાઈટ શરૂ થાય તે જરૂરી હતું. તાજેતરમાં દરેક રૂટ પર વિમાનના ભાડામાં સારો એવો વધારો થયો છે ત્યારે અમદાવાદ અને રાજકોટ વચ્ચે એર ટિકિટનો દર 3160 રૂપિયા રાખવામાં આવ્યો છે. રાજકોટ અને અમદાવાદ વચ્ચે દરરોજની એક ફ્લાઈટ હશે અને સપ્તાહમાં છ ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે.

એરપોર્ટ દ્વારા જાહેર કરાયેલ નવા સમયપત્રક મુજબ રાજકોટ-પૂના વચ્ચે અઠવાડીયામાં ત્રણ દિવસ અને રાજકોટ-ગોવા વચ્ચે અઠવાડીયામાં ત્રણ દિવસની વિમાની સેવા યથાવત રાખવામાં આવી છે. રાજકોટ-મુંબઇ વચ્ચે રોજ પાંચ ફલાઇટ યથાવત રાખવામાં આવી છે. આજ રીતે રાજકોટ-બેંગલોર વચ્ચે પણ દરરોજ એક ફલાઇટ યથાવત રખાઇ છે. રાજકોટ-સુરત વચ્ચે ચાલતી 9 સીટની વિમાની સેવા પણ યથાવત રખાઇ છે. જ્યારે દિલ્હી-રાજકોટની સવાર અને સાંજની એક-એક ફલાઇટ યથાયત રખાઇ છે પરંતુ સવારે દિલ્હીની વધુ એક ફલાઇટ શરૂ કરવાની વાત હવામાં રહી ગઇ છે. તો ઈન્દોરની ફ્લાઈટ બંધ કરવામાં ાવી છે.