શંકાસ્પદ વાહનો, બ્લેક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ તેમજ નંબર પ્લેટ વગરનાં વાહનોનું સઘન ચેકીંગ કરાયું
લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે સ્ટેટ સર્વેલન્સ ટીમ અને ફ્લાઇગ સ્ક્વોડ ટીમ દ્વારા વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. રોકડ અથવા શંકાસ્પદ વ્યવહારોની ચકાસણી કરાઈ રહી છે.
લોકસભાની ચૂંટણીમાં મતદાન ન્યાયીક અને મૂકત રીતે યોજાય તે માટે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ શહેરમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં પેરામીલીટરી ફોર્સ અને રાજકોટ શહેર પોલીસ દ્વારા ફલેગ માર્ચ યોજવામાં આવી રહી છે. જે અંતર્ગત આજ રોજ શહેરના વિવિધ વિસ્તારો અને માર્ગો પર વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે સ્ટેટીક સર્વેલન્સ ટીમ અને ફ્લાઇગ સ્ક્વોડ ટીમ દ્વારા વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. રોકડ અથવા શંકાસ્પદ વ્યવહારો જણાય તો અધિકારીને જાણ કરવા ઉપરાંત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સૂચનાથી જોઈન્ટ પોલીસ કમિશ્નર વિધિ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલની રાહબરી હેઠળ, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની આગેવાનીમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં જેવા કે બેડી ચોકડી, બહુમાળી ભવન, ગ્રીન લેન્ડ ચોકડી, માધાપર ચોકડી અને ગોંડલ રોડ ચોકડી પર ટ્રાફિક પોલીસની અલગ અલગ ટીમો દ્વારા બ્લેક ફિલ્મ, છકડા, નંબર પ્લેટ વગરના કે ફેન્સી નંબર પ્લેટ વાળા વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવ્યુ હતું. જેમાં ગાડીમાં લગાવેલ બ્લેક ફિલ્મ દૂર કરાઈ હતી. પોલીસ હેડ ક્વાટર ખાતે હેલ્મેટ ડ્રાઈવ રાખી ૧૨ કેસ અને ૬,૦૦૦નો દંડ તથા ૧૪ ઈ-ચલણ ઈસ્યુ કરી બે વાહન પણ ડીટેઇન કરાયા હતાં. આ ડ્રાઈવમાં ક્રાઈમ બ્રાંચ,એસ.ઓ.જી,ટ્રાફિક શાખા અને સ્થાનિક પોલીસ મથકના સ્ટાફ પણ જોડાયો હતો. ચૂંટણી આચારસંહિતા લાગુ પડી ગઇ શહેર પોલીસ સ્ટેશનની ટીમો તેમજ ટ્રાફિક પોલીસની ટીમો ઓચીંતા જ ગમે ત્યારે આ રીતે ચેકીંગ ડ્રાઇવ યોજશે તેમ જણાવાયું છે.