વડાપ્રધાન મોદીએ સેલા ટનલ દેશને સમર્પિત કરી, 55,600 કરોડ રુપયાના પ્રોજેક્ટનું ઉદ્ગાટન કર્યું

modi-in-purvanchal

આસામ તેના ભવ્ય ચાના બગીચા માટે જાણીતું છે અને આસામની ચાએ આખી દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું છે, દેશવાસીઓને ચાના બગીચાઓની મુલાકાત લેવા કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પૂર્વોત્તર રાજ્યોની મુલાકાતે છે. આ દરમ્યાન વડાપ્રધાન મોદીએ પૂર્વોત્તરના કેટલાક રાજ્યો માટે રૂ. 55,600 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. સૌ પ્રથમ તેઓ આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં જંગલ સફારીની મજા માણી હતી. ત્યારબાદ અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આસામ પહોંચ્યા અને લચિત બોરફૂકનની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતુ.

કાઝીરંગા નેશનલ પાર્કમાં જંગલ સફારીની મજા માણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોર્થ-ઈસ્ટના આસામ અને અરુણાચલ પ્રદેશના પ્રવાસે છે. તેઓ શુક્રવારે સાંજે આસામના તેજપુર પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ કાઝીરંગા પહોંચ્યા અને રોડ કર્યો હતો. શનિવાર સવારે 5 થી 6ની વચ્ચે મોદી કાઝીરંગા નેશનલ પાર્કમાં પહોંચ્યા હતા, ત્યાં તેમણે જંગલ સફારીની મજા માણી હતી તેમજ હાથી પર સવારી કરી હતી. તેમણે કાઝીરંગા નેશનલ પાર્કના અન્ય પ્રાણીઓની તસવીરો પણ શેર કરી હતી.

સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન મોદીએ અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં વિશ્વની સૌથી લાંબી ટુ-લેન ટનલ (સેલા ટનલ)નું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન મોદીએ આ ટનલનો પાયો 2019માં મૂક્યો હતો. લગભગ 825 કરોડના ખર્ચે આ ટનલને બનાવવામાં ચાર વર્ષનો સમય લાગ્યો છે. સેલા સુરંગ ચીન સરહદ નજીક છે. દરમિયાન સુરક્ષાની દ્રષ્ટિએ આ સુરંગ મહત્વની છે. એટલી ઊંચાઈ પર બનાવવામાં આવેલી આ દુનિયાની સૌથી લાંબી ડબલ લેન ટનલ છે. ટનલની ઊંચાઈ 13000 ફૂટ છે. આ પ્રોજેક્ટમાં બે ટનલ સામેલ છે. ચીનથી ચાલી રહેલા તણાવની વચ્ચે આ ટનલને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.

17500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું
અરુણાચલ પ્રદેશમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી આસામના જોરહાટ પહોંચ્યા હતા. અહીં તેમણે 17500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. ત્યાં તેમણે જનસભા સંબોધતા તેમણે કહ્યું કે – આજે મને આસામના લોકો માટે 17500 કરોડ રોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. જેમાં સ્વાસ્થ્ય, આવાસ અને પેટ્રોલિયમ સંબંધિત પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આનાથી આસામમાં વિકાસની ગતિને વધુ વેગ મળશે. વારસો અને વિકાસ એ અમારી ડબલ એન્જિન સરકારનો મંત્ર રહ્યો છે.

લચિત બોરફૂકન પ્રતિમાનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જોરહાટમાં અહોમ કમાન્ડર લચિત બોરફૂકનની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાને ટોક નજીક હોલોંગાપર ખાતે લચિત બોરફૂકન મૈદમ વિકાસ પ્રોજેક્ટ ખાતે ‘સ્ટેચ્યુ ઓફ વીર’નું અનાવરણ કર્યું હતું. હેલિકોપ્ટર દ્વારા અરુણાચલ પ્રદેશથી જોરહાટ પહોંચેલા મોદી પરંપરાગત ડ્રેસ અને પાઘડી પહેરીને આવ્યા હતા. તેમણે પ્રતિમાનું અનાવરણ કરવા માટે અહોમ સમુદાયની ધાર્મિક વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શરમા પણ હતા.

ચાના બગીચાઓની મુલાકાત લીધી
વડાપ્રધાન મોદીએ ત્યા ચાના બગીચાની મુલાકાત પણ લીધી હતી. તેમણે ત્યાંના ચાના બગીચા વિશે પણ માહિતી લીધી હતી. સોશિયલ મીડિયા પર ચાના બગીચાઓની તસવીરો શેર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, ‘આસામ તેના ભવ્ય ચાના બગીચા માટે જાણીતું છે અને આસામની ચાએ આખી દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું છે. હું નોંધપાત્ર ચાના વાવેતર સમુદાયની પ્રશંસા કરવા માંગુ છું, જે સમગ્ર વિશ્વમાં આસામની પ્રતિષ્ઠા વધારીને સખત મહેનત કરી રહી છે. હું પ્રવાસીઓને રાજ્યની મુલાકાત દરમિયાન આ ચાના બગીચાઓની મુલાકાત લેવા વિનંતી કરું છું.