ભવનાથમાં 5 માર્ચથી 8 માર્ચ સુધી ચાલનારા મહાશિવરાત્રીનો મેળામાં પ્રથમ વાર QR કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કોડ સ્કેન કરતાં જ ભક્તોને પાર્કિંગ તેમજ આશ્રમો સહિતનાં તમામ લોકેશનની માહિતી મળી જશે
જૂનાગઢમાં શિવરાત્રી મેળાનુ આયોજન દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ભવનાથમાં પરંપરા મુજબ મહાશિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ થયો છે. ભવનાથ મંદિરમાં 9.30 કલાકે ધ્વજા ચડાવવાનાં મુહૂર્તમાં જ સાધુ સંતોની હાજરીમાં ધજા ચડાવી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભવનાથ વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યો છે.
5 માર્ચથી 8 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં ભાવિક ભક્તોને કોઈ જાતની અગવડ ન પડે તે માટે જૂનાગઢ તંત્ર દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. શિવરાત્રી મેળાને લઈ ભાવિક ભક્તો માટે સૌ પ્રથમ વાર QR કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કોડ સ્કેન કરતાં જ ભક્તોને પાર્કિંગ તેમજ આશ્રમો સહિતનાં તમામ લોકેશનની માહિતી મળી જશે.
એસટી નિગમ દ્વારા વધારાની બસોની પણ વ્યવસ્થા કરાઈ
આજથી શરુ થયેલ મહાશિવરાત્રી મેળો 8 માર્ચ સુધી ચાલશે. ચાર દિવસ સુધી ચાલતા આ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્વાળુઓ ભાગ લેશે. આ શ્રદ્ધાળુઓને મેળામાં આવવા-જવા માટે અગવડ ના પડે તે માટે એસટી નિગમ દ્વારા ખાસ વધારાની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વયંભુ પ્રગટ ભવનાથ મહાદેવના સાનિધ્યમાં શંખનાદ, ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થાય છે.
હર હર મહાદેવના નાદથી ગિરનારની તળેટી ગુંજી ઉઠી
મહાશિવરાત્રીના મેળાને લાખો ભાવિકોની આસ્થા, આગમન તેમજ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ માનવામાં આવે છે. ગિરનાર મહાશિવરાત્રિ મેળાનો આરંભ થયો છે, ત્યારે શિવઆરાધનામાં લીન થવા દેશભરમાંથી આવેલા નાગાસાધુઓએ ગીરી તળેટીમાં આવીને પોતાના નિશ્ચિત સ્થાનો પર ધૂણી ધખાવી શિવ આરાધના ઉપાસનામાં લીન જોવા મળ્યા છે. બમ બમ બોલે, જય ગિરનારી અને હર હર મહાદેવના નાદથી ગિરનારની તળેટી ગુંજી ઉઠી છે.
મૃગીકુંડમાં સાધુ સંતોના સ્નાન બાદ મેળો પૂર્ણ થશે
મેળામાં ત્રણ અખાડામાં ધ્વજારોહણ થાય છે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતો વહેલી સવારે મૃગીકુંડમાં સ્નાન કરે છે અને આ સ્નાન બાદ મેળો સંપન્ન થાય છે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠમાં લોકો ભગવાન શિવની ભક્તિમાં લીન થાય છે. જય ગિરનારી, બમ બમ ભોલે અને હરહર મહાદેવના નારા સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે.
જૂનાગઢ પોલીસે મેળાની સુરક્ષાને લઈને આયોજન કર્યુ
પાંચ દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં દેશ અને દુનિયામાંથી ભક્તો આવતા હોય છે. આ તમામની સુરક્ષાની જાળવણીની સાથે મેળા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય કે અકસ્માતની ઘટના ન બને તે માટે જૂનાગઢ પોલીસે મેળાની સુરક્ષાને લઈને આયોજન કર્યુ છે. પોલીસ બોડી વાર્ન કેમેરા, વોકીટોકી, વાયરલેસ સેટ જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરીને મેળા અને ભવનાથ આવેલા યાત્રિકોની સુરક્ષા માટે કામગીરી કરશે. આ સિવાય મહિલા અને બાળકોને કોઈ પણ મુશ્કેલી ના પાડે અને મુશ્કેલીના સમયમાં તેને સુરક્ષા આપી શકાય તે માટે 10 જેટલી શી ટીમો પણ કાર્યરત કરવામાં આવશે. ભવનાથ વિસ્તારમાં લાગેલા સીસીટીવી સિવાય વધારાના 79 જેટલા કેમેરાઓ પણ લગાવવામાં આવશે. જેનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ભવનાથ પોલીસ સ્ટેશનમાં ઊભું કરવામાં આવ્યું છે.
મેળા દરમિયાન ગિર સફારી પાર્ક બંધ રહેશે
ગિરનાર અભ્યારણ્ય વિસ્તારમાં સિંહ-દીપડા સહિતના અનેક વન્ય પ્રાણીઓનો વસવાટ છે, ત્યારે આ વન્ય પ્રાણીઓને લઈને વન વિભાગે અલગ અલગ ટીમો બનાવી છે, અને સંવેદનશીલ વિસ્તારમાં 5 રાવટી ઉભી કરી છે. ચેકિંગ ટીમ, ટ્રેકર ટીમ, સર્ચ ટીમ, રેસ્ક્યૂ ટીમ તેમજ પાંજરા રાખવામાં આવ્યા છે, આ ટીમો સતત વન્ય પ્રાણીઓની હિલચાલ પર નિરીક્ષણ રાખશે. આ સિવાય વન વિભાગનો સ્ટાફ પણ મેળામાં વ્સસ્ત રહેતા હોવાથી પાંચ દિવસ સુધી ગીર નેચર સફારી પાર્ક બંધ રાખવામાં આવે છે.
પ્લાસ્ટિકનાં વેચાણ પર પ્રતિબંધ
શિવરાત્રિના મેળા દરમિયાન તંત્રએ જુનાગઢ ગીરનાર અને ભવનાથ તળેટી સહિત આસપાસના ગામોમાં પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તંત્રએ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. જો કોઇ વ્યક્તિ પાસે પ્લાસ્ટિક મળશે તો દંડનીય કાર્યવાહી કરાશે. ગીરનાર પર્વત પર પર્યાવરણ સંરક્ષણ અને કચરાની સફાઇ મુદ્દે છેલ્લા કેટલાંક સમયથી વિવાદ ચાલતો હતો. આ સફાઈ અંગેનો વિવાદ અને પ્લાસ્ટિકનો મુદ્દો હાઇકોર્ટ સુધી પણ પહોંચ્યો છે.