હવામાન વિભાગની આગાહીઃ આગામી બે દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં તોફાન સાથે ભારે વરસાદની સંભાવના, જાણો ક્યાં પડી શકે છે વરસાદ

havaman-vibhag

1 અને 2 માર્ચે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા

ગુજરાતમાં હાલ વાતાવરણ સ્થિર નથી. સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. સોમવારે અનેક વિસ્તારોમાં સૂસવાટાભેર પવન સાથે વાદળછાયું વાતાવરણ હતુ તો આજે પવનનું જોર ઓછું થયુ છે. ગુજરાતના આવા વારંવાર બદલાતા વાતાવરણમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તે અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છેકે આગામી બે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું થઇ શકે છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 1 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત 2 માર્ચના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં માવઠું થવાની શક્યતા છે. માવઠાની આગાહીના પગલે ખેડૂત ચિંતામાં મુકાયો છે.

દેશની વાત કરીએ તો હાલ દેશમાં પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા તો મેદાની પ્રદેશોમાં વરસાદ જોવા મળી રહી છે. આ વખતે મોડેથી હિમવર્ષા જોવા મળી છે. હાલ પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. આજે સવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદ અને કરા પડવાની ઘટના પણ સામે આવી છે.

હવામાન વિભાગ દ્વારા દેશના ઘણા ભાગોમાં વીજળી પડવાની સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. દેશના ઘણા મેદાની પ્રદેશોમાં આગામી બે દિવસ માટે તોફાન સાથે વરસાદ અને કરા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગના અનુસાર, દક્ષિણ મધ્ય પ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ, ઓડિસા અને વિદર્ભમાં 26 અને 27 તારીખે, ઝારખંડ અને ગંગીય પશ્ચિમ બંગાળમાં 27 ફેબ્રુઆરીએ એટલે આજે વાવાઝોડું, વીજળી અને ઝડપી પવનોની સાથે છૂટોછવાયો, હળવો કે મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ મધ્ય પ્રદેશમાં 27 ફેબ્રુઆરીએ દક્ષિણ છત્તીસગઢમાં અલગ અલગ જગ્યાઓ પર કરા પડવાની આગાહી છે. પશ્ચિમ હિમાલય વિસ્તાર અને આસપાસના મેદાની વિસ્તારોમાં હળવા વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં એક માર્ચે અલગ-અલગ સ્થાનો પર કરાની સંભાવના છે. મધ્ય ભારતમાં 27 ફેબ્રુઆરીએ વાવાઝોડું, કરા અને વીજળી પડવાની સાથે વરસાદની ગતિવિધિઓની સંભાવના છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ રાજ્યના હવામાન અંગે જણાવ્યુ હતુ કે, આગામી દિવસોમાં દેશમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના દર્શાવી છે. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં ભારે પવનના તોફાનો, કમોસમી વરસાદ અને દેશના ઉત્તર પર્વતિય પ્રદેશો જેમા પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન સહિતના ભાગોમાં તેની અસર થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમજ ગુજરાતના વાતાવરણ બાબતે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. તેમજ લઘુતમ તાપમાન વધતા અને ઠંડી ઓછી થઈ શકે છે.