વડાપ્રધાન મોદીએ કહ્યું “અહીં આવીને મને લાગે છે કે હું મારા પોતાના ઘરે આવ્યો છું”,
પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને અબુધાબીમાં UPI રૂપે કાર્ડ સેવા શરૂ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEમાં પ્રથમ હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે અબુ ધાબી પહોંચી ગયા છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન UAE પહોંચ્યા ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પીએમ મોદીને ગળે લગાવ્યા હતા. પીએમ મોદી આવતીકાલે ગુરુવારે બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
આજે અબુ ધાબીમાં હિંદુ પ્રવાસીઓને સંબોધતા પહેલા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી હતી. તેમણે કહ્યું, ‘અમને અમારા વિદેશી ભારતીયો અને વિશ્વ સાથે ભારતના જોડાણને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસો પર ખૂબ ગર્વ છે. આજે સાંજે, હું અહલાન મોદી કાર્યક્રમમાં UAEમાં ભારતીયોને મળવા માટે ઉત્સુક છું. આ યાદગાર ક્ષણમાં જોડાવા માટે ખાતરી કરો.
વડાપ્રધાન નરેન્દ્ર બે દિવસના યુએઈના પ્રવાસ પર છે, આ દરમિયાન તેમનું ઉષ્માભેર સ્વાગત ત્યાં કરવામાં આવ્યું હતું. બન્ને દેશના વડા ગળે ભેટીને એકબીજાને મળ્યા હતા. રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત અને યુએઈ વચ્ચે દરેક ક્ષેત્રમાં સંયુક્ત ભાગીદારી છે. અમે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના છીએ. સંબંધોના નવા યુગની શરૂઆત થઈ રહી છે. હું તમને સમય ફાળવવા અને ‘વાઇબ્રન્ટ ગુજરાત’ સમિટમાં આવવા આમંત્રણ આપું છું. PM મોદી 14 ફેબ્રુઆરીએ અહીં બનેલા પ્રથમ હિન્દુ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન કરશે.
ઉલ્લેખનીય છે કે મધ્ય પૂર્વમાં પરંપરાગત હિંદુ સ્થાપત્ય શૈલીમાં પથ્થરથી બનેલું આ પ્રથમ મંદિર બનવા જઈ રહ્યું છે જેનું નિર્માણ BAPS સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. 14મી ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવશે. PM મોદી ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે 2015 પછી પીએમ મોદીની યુએઈની આ સાતમી મુલાકાત છે. છેલ્લા આઠ મહિનામાં તેમની યુએઈની આ ત્રીજી મુલાકાત હશે.
યૂએઈના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે એ ખુશીની વાત કે આજે આપણે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કરી રહ્યા છીએ. મારું માનવું છે કે આ જી-20 દેશો માટે આ મોટી ખબર હશે કે ભારત અને યુએઈ આ મહત્વપૂર્ણ દિશામાં આગળ વધી રહ્યા છે. પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને અબુધાબીમાં યુપીઆઈ રૂપે કાર્ડ સેવા શરૂ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમની ટીમનું UAEમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તે બદલ પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું કે, મને હંમેશા આપની વચ્ચે આવ્યો ત્યારે હંમેશા લાગ્યું છે કે પોતાના ઘરની વચ્ચે આવ્યો હોંઉં.. પોતાના જ પરિવારના સભ્યોને મળવા આવ્યો હોય તેવું લાગે છે.. આવો અનુભવ હું હંમેશા કરું છું. આવું ભાગ્યે જ થતું હોય છે, મને અહીં 7 વખત આવવાની તક મળી છે. આ આપણી નીકટતા છે અને તે દરેક ક્ષેત્રમાં છે. આજે ભારત અન યુએઈ વચ્ચે દરેક ક્ષેત્રમાં ભાગીદારી થઈ રહી છે. આજે પણ આપણે ઘણાં મહત્વપૂર્ણ નિર્ણય કરવા જઈ રહ્યા છીએ.