સોમનાથ મરીન પોલીસ સ્ટેશન નજીક મેગા ડીમોલેશન: 17 વિઘા જેટલી જમીન પરથી 144થી વધુ દબાણો દૂર કરાયા, પોલીસનો મોટો કાફલો તૈનાત

somnath2

સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવેલા મકાનો અને ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા
સોમનાથ પહેલા અગાઉ કૃષ્ણ નગરી દ્વારકામાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી

સોમનાથમાં આજે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સોમનાથ નજીક મરીન પોલીસ ચોકી આસપાસના વિસ્તારમાં 17 વીઘાની વિશાળ જગ્યા પર આજે સવારથી ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવેલા મકાનો અને ઝૂંપડાઓને હટાવવાની કામગીરી કરાઈ હતી. વહીવટી તંત્રની હાજરીમાં 21 પાકા મકાનો સહિત 100 જેટલા ઝૂંપડાઓ તોડી પાડી મંદિરની પાછળના ભાગે આવેલી સરકારી જમીન ખાલી કરવામાં આવી છે. આ પહેલા સોમનાથ મંદિરના પાછળના ભાગે સમુદ્ર કિનારા નજીક આવેલી સરકારી જમીનના દબાણોને દૂર કરવા માટે ગેરકાયદે દબાણોને ડિમોલિશન કરી હટાવાયા હતા.

ગીર સોમનાથ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે બીજા તબક્કામાં મરીન પોલીસ સ્ટેશન નજીક દરિયા કાંઠા વિસ્તારમાં સરકારી જમીન પર કરવામાં આવેલું દબાણ દૂર કરીને 17 વિઘા જેટલી સરકારી જમીન પરથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી. આજે વહેલી સવારથી જ દરિયાકાંઠા વિસ્તારમાં કાચા પાકા દબાણોને પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓએ દૂર કર્યા હતા. ગેરકાયદેસર કરેલ દબાણ દૂર કરીને 17 વીઘા જેટલી સરકારી જમીનને દબાણથી મુક્ત કરી છે. દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાતા લોકોમાં રોષનો માહોલ છવાયો છે.

સોમનાથ નજીકનાં વિસ્તારમાં દિવાળી પૂર્વે પ્રથમ તબક્કાની દબાણ હટાવવાની કામગીરી કરવામા આવી હતી. જેમાં ત્રણ હેકટર કરતાં વધારે સરકારી જમીનમાં કરવામાં આવેલું દબાણ દૂર કરાયું હતું. ત્યારે આજે ફરી એક વખત બીજા તબક્કાની દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થઈ હતી. ડિમોલિશન કાર્યવાહી સમયે આશરે 500થી વધુ પોલીસ કર્મી SP, SySP અને PI સહિત બે SRPની ટુકડીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાંક વર્ષોથી સોમનાથ અને વેરાવળનો દરિયા કાંઠાનાં વિસ્તાર કે જેની જમીન પડતર અથવા તો બિન ઉપયોગમાં હતી તેવી તમામ જમીનો પર કાચા પાકા બાંધકામો કરીને દબાણ કર્યું હતું.

પોલીસ દ્વારા જે લોકોએ સરકારી જમીન પર દબાણ કર્યું છે તે તમામને નોટિસ ઈસ્યુ કરીને તેમનું દબાણ સ્વેચ્છાએ હટાવી લેવા માટે વિનંતી પણ કરી હતી. જે પૈકીના 40% કરતાં વધુ દબાણકારોએ તેમનું દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કર્યું હતું પરંતુ જે લોકોએ દબાણ દૂર કર્યું નથી તેમને આજે પોલીસ અને વહીવટી તંત્ર દૂર કરી રહ્યું છે. પોલીસે જે લોકોને નોટિસ આપી છે તેવા લોકોને જમવા સહિતની અનેક વ્યવસ્થાઓ સોમનાથ પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ કોઈ અવ્યવસ્થા ન થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથ પાસે મરીન પોલીસ ચોકી આસપાસ આજે સવારથી ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં આશરે 17 વીધા જેટલી જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. હાલ જે દબાણ હટાવવામાં આવી રહ્યું છે તેમાં સરકારી જમીન અને સોમનાથ ટ્રસ્ટની જમીન હોવાનું જાણવા મળે છે. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે અહીં વિશાળ કોરિડોર આકાર પામી શકે છે અને સોમનાથ મંદિર ને વધુ જળહળતું બનાવાશે.

ઉલ્લેખનીય છે કે, દબાણ હટાવવાની કામગીરી આગામી દિવસો દરમિયાન પણ શરૂ રહી શકે છે. સોમનાથ પહેલા અગાઉ કૃષ્ણ નગરી દ્વારકામાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી . જેમાં હર્ષદ, નાવદ્રા અને ભોગાતમાં દબાણો દુર કરવામાં આવ્યા હતા. જો વિગતે વાત કરીએ તો કુલ 100 જેટલા રહેણાંક દબાણો,30 કોર્મશિયલ અને બે ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા. આ દબાણો દુર કરીને 66 હજાર સ્કવેર જગ્યા ખાલી કરવામાં આવી હતી.