લોકસભા ચૂંટણી 2024: ભાજપ ત્રીજી વખત સત્તા કબજે કરવા તૈયાર, જાન્યુઆરીના છેલ્લા સપ્તાહ સુધીમાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે

2024-Lok-Sabha-election

લોકસભા ચૂંટણી 2024 ખૂબ નજીક છે. ભાજપે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

લોકસભા ચૂંટણી 2024 ખૂબ નજીક છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સત્તા કબજે કરવા માટે પૂરા પ્રયાસો કરી રહી છે. ભાજપે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં આવખત ભાજપ 2024માં વધુ સીટો ઉપર ચૂંટણી લડવાની તૈયારી કરી છે. લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થાય તે પહેલા ભાજપ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. ભાજપ તેની પ્રથમ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામની જાહેરાત કરશે.

આ દરમિયાન, પાર્ટીએ સામાન્ય ચૂંટણી માટે તૈયારીઓ ઝડપી કરી દીધી છે અને સમગ્ર દેશમાં તેના નેતાઓ માટે અંતિમ માર્ગદર્શિકા નક્કી કરવા ફેબ્રુઆરીના મધ્યમાં તેની રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવશે. પાર્ટીએ સામાન્ય ચૂંટણીઓમાં શક્ય તેટલી વધુ બેઠકો પર લડવા પર તેની નજર નક્કી કરી છે.

આ મહિના સુધીમાં ભાજપની પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. જો અહેવાલોનું માનીએ તો પાર્ટીએ ઉમેદવારોના નામ ફાઈનલ કરી દીધા છે. ભાજપ 70 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને ટિકિટ આપે તેવી શક્યતા નથી જ્યાં સુધી તેઓ “અનિવાર્ય” ન હોય. ભાજપ આ મહિનાના અંત સુધીમાં 150-160 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદીને મંજૂરી આપવા માટે પીએમ મોદીની અધ્યક્ષતામાં જાન્યુઆરીના અંતમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી શકે છે.

બીજી તરફ I.N.D.I.A ગંઠબંધનમાં સીટ વહેંચણીને લઈને મથાગુઠ ચાલુ છે. વિપક્ષી ગઠબંધનમાં સીટની વહેંચણીને લઈને હજુ કંઈ નક્કી થયું નથી. કોંગ્રેસ પર પણ એડજસ્ટ થવાનું દબાણ છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, પશ્ચિમ બંગાળ, દિલ્હી… જ્યાં પ્રાદેશિક પક્ષો મજબૂત છે ત્યાં કોંગ્રેસ વાત કરી શકતી નથી. 2024માં કોંગ્રેસ માટે આ કરો યા મરોની લડાઈ છે.