મસૂદ અઝહર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ચીફ હતો, તેમજ અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેન અને તાલિબાનના સ્થાપક મુલ્લા ઓમરનો નજીકનો સાથી હતો.
ભારતના મોસ્ટ-વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર સોમવારે બોમ્બ વિસ્ફોટમાં માર્યો ગયો છે. જોકે, સત્તાવાર સમર્થન આવવાનું બાકી છે.
અપ્રમાણિત અહેવાલો મુજબ, વોન્ટેડ આતંકવાદી, કંધાર હાઇજેકર મસૂદ અઝહર સવારે 5 વાગ્યે પાકિસ્તાનમાં ભાવલપુર મસ્જિદથી પાછા જતા સમયે ‘અજ્ઞાત માણસો’ દ્વારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટમાં માર્યો ગયો હતો. ઉલ્લેખનીય છે કે મૌલાના મસૂદ અઝહર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ચીફ હતો. જો કે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ 814 (IC814)ના હાઈજેક બાદ મસૂદ અઝહરને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. મસૂદ અઝહરે 13 ડિસેમ્બર, 2001ના રોજ સંસદ પર થયેલા આતંકી હુમલાનું પણ આયોજન કર્યું હતું. 2001ના સંસદ હુમલા બાદ દિલ્હી પોલીસ દ્વારા અને 2016ના પઠાણકોટ એરબેઝ હુમલા બાદ પંજાબ પોલીસ દ્વારા તેનાં પર ચાર્જશીટ કરાયેલ છે.
મસૂદ અઝહરે 5 જુલાઈ, 2005ના રોજ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર પરના હુમલા સહિત ભારત પર ઘાતકી આતંકવાદી હુમલાઓ કરવા માટે JeM કેડરનો ઉપયોગ કર્યો હતો તેમજ 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ સીઆરપીએફ સૈનિકો પર પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ તે જ હતો. તેણે 3 જાન્યુઆરી, 2016 ના રોજ અફઘાનિસ્તાનના બાલ્કમાં મઝાર-એ-શરીફમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલાનું નિર્દેશન પણ કર્યું. અઝહર અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેન અને તાલિબાનના સ્થાપક મુલ્લા ઓમરનો નજીકનો સાથી હતો.
છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાન અને સમગ્ર વિશ્વમાં લગભગ બે ડઝન આતંકવાદીઓ અથવા મોસ્ટ વોન્ટેડ શંકાસ્પદ સંજોગોમાં માર્યા ગયા છે. કેનેડા અને પાકિસ્તાનમાં માર્યા ગયેલા આતંકવાદીઓમાં લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદના નાયબ અબ્દુલ સલામ ભુટાવી, કેનેડા સ્થિત હરદીપ સિંહ નિજ્જર અને પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના નેતા શાહિદ લતીફનો સમાવેશ થાય છે.