ગૃહમંત્રાલયે નોટિફિકેશન બહાર પાડ્યુ, ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ આતંકવાદી જાહેર કર્યો
આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે ગોલ્ડીના સંબંધનો ખુલાસો
કેનેડામાં રહીને ભારતમાં ગુનાકિય પ્રવૃત્તિઓ પાર પાડતો ગેંગસ્ટર ગોલ્ડી બરાડ વિરુદ્ધ કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે કેનેડાથી ભારતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ગેંગસ્ટર ગોલ્ડી બરાડને આતંકવાદી જાહેર કર્યો છે. સરકારે તેને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. કુખ્યાત ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈનોરાઈટ હેન્ડ કહેવાતો ગોલ્ડી પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા કેસનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે. ગોલ્ડીના ઈશારે જ બિશ્નોઈ ગેંગના લોકોએ પંજાબી સિંગર મુસેવાલાની હત્યા કરી હતી. તેણે કેનેડામાં બેઠા બેઠા મૂસેવાલાની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર જાહેર કરી હત્યાની જવાબદારી પણ લીધી હતી.
ગૃહ મંત્રાલયે ગોલ્ડીને આતંકવાદી જાહેર કર્યો છે. આ સંદર્ભે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ગોલ્ડી બ્રાર પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલા છે.
જાણકારી મુજબ, ગેંગસ્ટરથી આતંકી જાહેર કરાયેલો ગોલ્ડી બરાડ પંજાબના શ્રીમુક્તસર સાહેબનો રહેવાસી છે. ગેંગસ્ટર ગોલ્ડી બ્રારનું સાચું નામ સતીન્દર સિંહ ઉર્ફે સતીન્દર સિંહજીત સિંહ છે. તેનો જન્મ 11 એપ્રિલ, 1994નાં રોજ થયો હતો. તે 2021માં ભારતથી કેનેડા ભાગી ગયો હતો. હાલ તે કેનેડાના બ્રામ્પટનમાં રહે છે. ત્યારથી તે ક્યારેક કેનેડામાં તો ક્યારેક અમેરિકામાં રહી ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યો છે. તે ત્યાંથી એક મૉડ્યૂલ ચલાવી પંજાબ સહિત ઘણા રાજ્યોમાં ઘટનાને અંજામ આપતો હતો. ગૃહમંત્રાલયના નોટિફિકેશનમાં ગોલ્ડીનો આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંબંધ હોવાનો જણાવ્યું છે. ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે જોડાયેલો ગોલ્ડી ભારત વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યો છે.
થોડાં દિવસ પહેલા જ ગૃહ મંત્રાલયે એક અન્ય ગેંગસ્ટર લખબીરસિંહ લાંડાને પણ આતંકી જાહેર કર્યો હતો, જેનો સંબંધ આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે હતો. ગોલ્ડી બરાડના તેની સાથે સીધી લિંક છે. લખબીરસિંહ લાંડા પાકિસ્તાનમાં રહેતા એક ખાલિસ્તાની આતંકી હરવિંદર સિંહ ઉર્ફે રિંદાની સાથે કામ કરે છે. તેની વિરુદ્ધ પંજાબના મોહાલી અને તરનતારનમાં રોકેટ હુમલાનું ષડયંત્ર રચવાની સાથે લગભગ 20થી વધુ કેસ નોંધાયેલા છે. તેણે વર્ષ 2022માં મોહાલી સ્થિત પંજાબ પોલીસના હેડક્વાર્ટર અને તરનતારનના સરહાલી પોલીસ સ્ટેશન પર રોકેટ હુમલો કરાવ્યો હતો. હાલ તે કેનેડાના અલ્બર્ટમાં રહે છે.
આતંકી લખબીર સિંહ લાંડા વર્ષ 2017માં ખાલિસ્તાની આતંકી હરવિંદર સિંહ ઉર્ફે રિંદાના સહયોગથી ભારતમાંથી ફરાર થયો હતો. કેનેડા ગયા બાદ તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના સંપર્કમાં આવ્યો હતો. તેના ઈશારે જ પાકિસ્તાનથી હથિયારોની ખેપ કરીને હિન્દુસ્તાન લાવતો હતો. પંજાબ બોર્ડર પર તેના લોકો ડ્રોનની મદદથી હથિયારો અને ડ્રગ્સની તસ્કરી કરે છે. IED જેવાં ખતરનાક એક્સપ્લોઝિવ ડિવાઈસ સરહદ પર લાવે છે. જેનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર નોટિફિકેશનમાં ગોલ્ડ બરાડ અંગે લખવામાં આવ્યું છે કે તે સરહદ પારથી હથિયારો અને વિસ્ફોટકોની ખેપ કરાવે છે.
કેન્દ્રીય તપાસ એજન્સી NIAએ વિદેશમાંથી ષડયંત્ર રચનારા ગેંગની લાંબી તપાસ કર્યા બાદ એક યાદી તૈયાર કરી છે, જેમાં લગભગ 28 મોટા કુખ્યાત ગેંગસ્ટરોના નામ છે અને આવા તત્વો દેશની સુરક્ષા માટે પણ ખતરો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયને યાદી સોંપી દેવાઈ છે. આ ગેંગસ્ટર પંજાબ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં મોટી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. એટલું જ નહીં દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં પણ સામેલ છે.