જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર કરાયું, લોકોને સલામત સ્થળે જવા આદેશ

Japan-Earthquick

પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા
સુનામીનાં કારણે દરિયામાં 5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે
જાપાનમાં ભારતીય દૂતાવાસે ભૂકંપ અને સુનામીની ચેતવણીને પગલે ભારતીય નાગરિકો માટે ઈમરજન્સી સંપર્ક નંબર જારી કર્યા

વર્ષ 2024નાં પહેલા જ દિવસે જાપાનમાં શક્તિશાળી 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર 7.6ની તીવ્રતાના ભૂકંપ બાદ તંત્ર દ્વારા સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. સુનામીનાં કારણે દરિયામાં 5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે જેનાં કારણે દરિયાકાંઠાના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા આદેશ આપવામાં આવ્યા છે. પશ્ચિમ જાપાનમાં મોટું નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જાપાનના નિગાતા પ્રાંતના કાશીવાકી શહેરથી દૂર નોંધાયું છે.

જાપાન મેટિરોલોજીકલ એજન્સીના જણાવ્યા પ્રમાણે પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનના દરિયા કિનારાની સાથે નિગાતા, ટોયામા, યામાગાતા, ફુકુઈ અને હ્યોગો પ્રાન્તમાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સાથે સુનામી ચેતવણી કેન્દ્ર દ્વારા ઉત્તર કોરિયા અને રશિયાના પૂર્વ દરિયાઈ વિસ્તાર માટે પણ સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. જાપાન હવામાન વિભાગ દ્વારા ઈશિકાવા અને તેની આસપાસના વિસ્તારોમાં તેજ ભૂકંપના આંચકા આવશે તેવી સૂચના આપી હતી. જાપાનમાં ભૂકંપના કેન્દ્રની નજીકના તમામ મુખ્ય હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે, જોકે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

જાપાનમાં ભારતીય દૂતાવાસે ભૂકંપ અને સુનામીની ચેતવણીને પગલે ભારતીય નાગરિકો માટે ઈમરજન્સી સંપર્ક નંબર જારી કર્યા છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, જાપાનના પશ્ચિમ કિનારે રિક્ટર સ્કેલ પર 7.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. ભૂકંપના આંચકા ટોક્યો અને સમગ્ર કાંટો વિસ્તારમાં અનુભવાયા છે. જાપાનના NHK બ્રોડકાસ્ટરે જણાવ્યું હતું કે જાપાનના સમુદ્રકિનારે નિગાટા, તોયામા, યામાગાટા, ફુકુઇ અને હ્યોગો પ્રાંતમાં પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ સાથે જોડાયેલા જાપાની અધિકારીઓએ જણાવ્યું કે, સુનામીના કારણે સમુદ્રના મોજા 15 થી 16 ફૂટ ઉંચા ઉછળી શકે છે. લોકોને શક્ય તેટલી વહેલી તકે ઊંચી જમીન અથવા નજીકની બિલ્ડિંગોની ટોચ પર ખસી જવા આગ્રહ કરવામાં આવ્યો છે. કોસ્ટલ એરિયામાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાન પર જવા માટે કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે ગત ગુરુવારે પણ જાપાનમાં ભૂકંપના તેજ આંચકા નોંધાયા હતા. કુરિલ દ્વીપમાં આવેલ ભૂકંપની તીવ્રતા 6.3 નોંધવામાં આવી હતી. જો કે આમાં કોઈને જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી. જો કે ભૂકંપને લીધે રીતસરની અરાજકતા ફેલાઈ ગઈ હતી તેમજ લોકો પોતાનાં ઘર છોડીને બહાર નીકળી ગયા હતા. તુર્કીમાં સોમવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 6.4 નોંધવામાં આવી હતી. લેબેનોન અને ઇઝરાયલ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિક સમય અનુસાર, રાત્રે લગભગ 8.30 વાગ્યા ને 10 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા હતા. દક્ષિણ ફિલિપીન્સમાં ડિસેમ્બર 2023માં 7.5 તીવ્રતાના ભૂકંપનાં આંચકા આવ્યા બાદ દક્ષિણી પશ્ચિમ તટ પર પણ સુનામીની ચેતવણી ઈશ્યૂ કરાઈ હતી.

વર્ષ 2011નાં માર્ચ મહિનામાં જાપાનમાં 9ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. આ વિનાશક ભૂકંપ બાદ સુનામી આવી હતી. દરિયામાં આવેલ સુનામીનાં મોજાના કારણે જાપાનનાં ફુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટને નષ્ટ કરી નાખ્યો હતો. પર્યાવરણને નુકસાનની દૃષ્ટિએ આ એક મોટી ઘટના માનવામાં આવી હતી. ત્યાર બાદ દરિયામાં ઊછળેલાં 10 મીટર ઊંચાં મોજાંએ અનેક શહેરોમાં તબાહી મચાવી હતી. આમાં લગભગ 16 હજાર લોકોનાં મોત થયાં હતાં.

આપને જણાવી દઈએ કે જાપાન એ ભૂકંપના સૌથી સંવેદનશીલ વિસ્તારમાંથી એક છે. અહીં અવાર નવાર ભૂકંપ આવતા રહે છે, કારણ કે જાપાન બે ટેક્ટોનિક પ્લેટના જંકશનની નજીક આવેલું છે. ઇશિકાવા પ્રાંત, જ્યાં ભૂકંપ આવ્યો છે તે રિંગ ઓફ ફાયર (સમુદ્રની ચારેય બાજુ ભૂકંપ ફોલ્ટલાઇન) ની નજીક આવેલું છે. આ રિંગ ઓફ ફાયર એ એક એવો વિસ્તાર છે, જ્યાં કોન્ટિનેટલ પ્લેટો સાથે ઓશિયનિક ટેક્ટોનિક પ્લેટો પણ આવેલી છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યારે ભૂકંપ આવે છે. એની અસરને કારણે જ સુનામી આવે છે અને જ્વાળામુખી પણ ફાટે છે. વિશ્વના 90% ભૂકંપ આ રિંગ ઓફ ફાયરમાં આવે છે. આ વિસ્તાર 40 હજાર કિલોમીટરમાં ફેલાયેલો છે. વિશ્વના તમામ સક્રિય જ્વાળામુખીમાંથી 75% આ પ્રદેશમાં છે. 15 દેશો – જાપાન, રશિયા, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ, એન્ટાર્કટિકા, કેનેડા, અમેરિકા, મેક્સિકો, ગ્વાટેમાલા, કોસ્ટા રિકા, પેરુ, એક્વાડોર, ચિલી, બોલિવિયા રિંગ ઓફ ફાયરમાં છે.

નેશનલ અર્થક્વેક ઈન્ફર્મેશન સેન્ટર દર વર્ષે દુનિયામાં દર વર્ષે 20,000 ભૂકંપ આવે છે એમાંથી 100 ભૂકંપ એવા હોય છે, જેમાં વધુ નુકસાન થાય છે. ભૂકંપ થોડીક સેકન્ડ કે થોડી મિનિટો સુધી રહે છે. ઇતિહાસમાં સૌથી લાંબો સમય ચાલતો ભૂકંપ હિન્દ મહાસાગરમાં 2004માં આવ્યો હતો. આ ભૂકંપ 10 મિનિટ સુધી રહ્યો હતો.