કતારની જેલમાં બંધ ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓની ફાંસીની સજા ઉપર સ્ટે
કતારમાં ધરપકડ કરાયેલા 8 પૂર્વ નૌકાદળના અધિકારીઓને આજે મોટી રાહત મળી છે, ભારત સરકારની અપીલ પર તમામ 8 નેવીનાં જવાનોની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મામલે કતારની હાઇ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. અપીલની સુનાવણી દરમિયાન અદાલતે ત્યાંની કોર્ટે તેને આપવામાં આવેલી ફાંસીની સજા પર સ્ટે મુકી દીધો છે.
ગત વર્ષે કતારમાં ધરપકડ કરાયેલા 8 પૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓને કતારની અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી. કોર્ટના આ નિર્ણય પર ભારત સરકારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ભારતીય નૌકાદળના આ 8 પૂર્વ અધિકારીઓ ગત વર્ષ ઓગસ્ટથી કતારની જેલમાં બંધ છે. કતારે નૌકાદળના અધિકારીઓ વિરુદ્ધ દાખલ કરાયેલા કેસ અંગે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. જોકે આ કેસના જાણકારોનું કહેવું છે કે, આ તમામ અધિકારીઓ પર જાસુસી કરવાનો આરોપ લગાવાયો છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે- અમે દહરા ગ્લોબલ મામલામાં કતારની અપીલ કોર્ટના આજના ચુકાદા પર નજર કરી છે, જેમાં સજા ઘટાડવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું, “વિગતવાર નિર્ણયની નકલની રાહ જોવાઈ રહી છે.” અમારી કાનૂની ટીમ આગામી પગલાઓ અંગે આઠ ભારતીયોના પરિવારના સંપર્કમાં છે. સુનાવણી દરમિયાન રાજદૂતો અને અધિકારીઓ કોર્ટમાં હાજર હતા.
મંત્રાલયે વધુમાં કહ્યું કે અમે મામલાની શરુઆતથી જ લોકોના પરિવાર સાથે ઊભા છીએ અને તમામ કૉન્સ્યુલર અને કાયદાકીય સહાયતા આપવાનું યથાવત રાખીશું. મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેના વિશે વધુ બોલવું અમારા માટે યોગ્ય રહેશે નહીં. અમે સતત કતાર પ્રશાસન સાથે આ મામલો ઉઠાવતા આવ્યા છીએ અને આગળ પણ કરીશું.
કોણ છે આઠ ભારતીયો?
ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ જવાનોની ઓળખ કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ ગોપાકુમાર તરીકે કરવામાં આવી છે.
કતાર પોલીસ દ્વારા પકડાયેલા 8 પૂર્વ નૌસૈનિકોમાંથી રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કમાન્ડર પૂર્ણેદુ તિવારી (રિટાયર્ડ) પણ સામેલ છે. તેમણે 2019માં તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રવાસી ભારતીય પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. કંપનીની વેબસાઈટ પર હાલની જાણકારી મુજબ પૂર્ણેદુ તિવારી ભારતીય નૌસેનામાં અનેક મોટા જહાજોની કમાન સંભાળી ચુક્યા છે.
આ તમામ લોકો કતારની એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. આ કંપની કતારી એમિરી નૌસેનાને ટ્રેનિંગ અને અન્ય સેવાઓ પ્રદાન કરે છે. મીડિયા રિપોટ્સ મુજબ, કંપનીનું નામ દહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સીઝ સર્વિસિઝ છે. કંપની પોતાને કતાર રક્ષા, સુરક્ષા તેમજ અન્ય સરકારી એજન્સીઓની સ્થાનિક ભાગીદાર જણાવે છે. રોયલ ઓમાન વાયુ સેના રિટાયર્ડ સ્કવોડ્રન લીડર ખામિસ અલ અઝમી આ કંપનીના CEO છે.