મને કોઈ પદ નથી જોઈતું, બધુ ઝડપથી થાય એજ હું ઈચ્છું છું: નીતીશ કુમાર
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે INDIA ગઠબંધનથી કોઈપણ પ્રકારની નારાજગીનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે તેમને કોઈ પદ જોઈતું નથી, બધુ ઝડપથી થાય, એજ હું ઈચ્છું છું. આ સાથે તેમણે JDU માં કોઈપણ પ્રકારના મતભેદનો પણ ઈન્કાર કર્યો હતો. સોમવારે પટનામાં પત્રકારો સાથે ચર્ચા દરમિયાન જ્યારે નારાજગી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અમને કાંઈ જોઈતું નથી, ગુસ્સે થવાનો કોઈ અર્થ નથી. અમે ક્યાંય પણ નારાજ નથી, જે પણ કહેવામાં આવી રહ્યું છે તે ખોટું છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશે વધુમાં કહ્યું કે સીટની વહેંચણી પણ સમયસર કરવામાં આવશે. તેમણે કહ્યું કે મેં માત્ર એટલું જ કહ્યું હતું કે રાજ્યોમાં ઝડપથી સીટોની વહેંચણી થવી જોઈએ, દરેક બાબતનો ઝડપથી નિર્ણય થવો જોઈએ. JDU માં ભાગલા અને પ્રમુખ લલન સિંહને હટાવવા અંગે બીજેપી નેતા સુશીલ મોદીના નિવેદન અંગે પૂછવામાં આવતા નીતિશે કહ્યું કે કોણ શું કહે છે તેના પર અમે ધ્યાન આપવાના નથી. આજકાલ, કેટલાક લોકો તેમના મનમાં જે આવે છે તે કહેતા રહે છે, જેથી તેઓ તેનો લાભ મેળવી શકે. પરંતુ, આનાથી કોઈને કોઈ ફાયદો થવાનો નથી.
તેમણે કહ્યું કે અમારી પાર્ટીમાં કોઈ ભટકતું નથી. અમારી પાર્ટીમાં બધા એક છે, ક્યાંય કોઈ સમસ્યા નથી. મુખ્યમંત્રીએ પત્રકારોને વધુમાં કહ્યું કે જુઓ બિહારમાં કેટલું કામ થઈ રહ્યું છે. નોકરીઓ અંગે કહેવામાં આવ્યું હતું કે 10 લાખ લોકોને નોકરી આપવામાં આવશે, અમે તેમાંથી અડધાની નજીક પહોંચી ગયા છીએ.