દુનિયાના સૌથી મોટા ધ્યાન મંદિરમાં 20 હજાર લોકો એકસાથે યોગાભ્યાસ કરી શકશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. પ્રવાસનાં પહેલા દિવસે તેમણે વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો હતો તેમજ 17 થી 31 ડિસેમ્બર સુધી ચાલનાર કાશી તમિલ સંગમમ-2નું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યા પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી નાના કટીંગ ગ્રાઉન્ડ સુધી વડાપ્રધાન પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. આ દરમ્યાન તેમણે કાશી કન્યાકુમારી ટ્રેનનો શુભારંભ પણ કર્યો હતો.
આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ વારાણસીના ચૌબેપુર વિસ્તારના ઉમરાહમાં બનેલા સ્વર્વેદ મહામંદિર ધામનું ઉદ્ઘાટન કર્યું. 7 માળનું આ મંદિર 20 વર્ષમાં 100 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ સ્વર્વેદ મંદિર વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર હોવાનું કહેવાય છે. અહીં 20 હજાર લોકો એક સાથે યોગ અને ધ્યાન કરી શકે છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.
સ્વર્વેદ મહામંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “આ શુભ અવસર પર અહીં 25 હજાર કુંડીય સ્વર્વેદ જ્ઞાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મને આનંદ અને વિશ્વાસ છે કે આ મહાયજ્ઞની દરેક આહુતિ વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત કરશે. સંતોના માર્ગદર્શનમાં કાશીના લોકોએ વિકાસ અને નવા નિર્માણ મામલે નવા રેકોર્ડ બનાવ્યા છે.” પીએમ મોદીએ કહ્યું કે, “હંમેશની જેમ કાશીમાં વિતાવેલી દરેક ક્ષણ પોતાનામાં જ અદ્ભુત છે. આજે સ્વર્વેદ મંદિરનું પૂર્ણ થવું આ દૈવી પ્રેરણાનું ઉદાહરણ છે. આ મહાન મંદિર મહર્ષિ સદાફલ દેવજીના ઉપદેશોનું પ્રતીક છે. આ મંદિરની દિવ્યતા આપણને જેટલી આકર્ષે છે એટલી જ તેની ભવ્યતા પણ આપણને આશ્ચર્યચકિત કરે છે.
સ્વર્વેદ નામ શા માટે?
સ્વર્વેદ મહામંદિર ધામના મીડિયા ઈન્ચાર્જએ આ મંદિરની વિશેષતા અને સ્વર્વેદ વિશે વિગતવાર માહિતી આપતા કહ્યું કે સ્વ: અને વેદ એમ બે શબ્દોથી સ્વર્વેદ બનેલો છે. સ્વ: એટલે આત્મા અને ભગવાન જયારે વેદ એટલે જ્ઞાન. એક માત્ર વસ્તુ જેના દ્વારા વ્યક્તિ આત્મા અને ભગવાનને જાણી શકે છે તે છે સ્વર્વેદ.આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે આપણા વિહંગમ યોગ સંસ્થાનના સ્થાપક સંત સદાફલ મહારાજે હિમાલયમાં સ્થિત આશ્રમમાં 17 વર્ષ સુધી ધ્યાન કર્યું હતું. ત્યાંથી તેણે મેળવેલ જ્ઞાનને પુસ્તક સ્વરૂપે મૂક્યું, એ ગ્રંથનું નામ સ્વર્વેદ છે.
સ્વરવેદના રચયિતા સદાફળ દેવજી મહારાજ છે. તેમણે વિહંગમ યોગની સ્થાપના કરી. મહારાજનો જન્મ 19મી સદીમાં થયો હતો. તેઓ આધ્યાત્મિક ગુરુ અને વિદ્વાન હતા. મંદિર સાથે જોડાયેલા એક અધિકારીનું કહેવું છે કે મહામંદિરમાં સદગુરુ સદાફળ દેવજીની પણ મૂર્તિ છે. સાથે મળતી માહિતી મુજબ મહામંદિર વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર બનશે જ્યાં એક સાથે 20 હજાર લોકો બેસી શકશે.
આ મંદિરનો સંબંધ સદગુરુ સદાફલ દેવજી મહારાજ સાથે જોડાયેલ છે. મંદિરની આધારશીલા સદગુરુ આચાર્ય સ્વતંત્ર દેવ અને સંત પરિવાર વિજ્ઞાન દેવે વર્ષ 2004માં રાખવામાં આવી હતી. છેલ્લા 20 વર્ષોથી તેનું નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું. તેના નિર્માણમાં 15 એન્જિનિયર્સ સાથે 600 કર્મચારીઓ જોડાયેલા હતા. વિહંગમ યોગ સંસ્થાના સ્થાપક સંત સદાફલ મહારાજના વિશ્વના ઘણા દેશોમાં સેંકડો આશ્રમો છે. તેમાંથી વારાણસીનું આ સ્વર્વેદ મહામંદિર સૌથી મોટું છે.
ગ્રાઉન્ડ ફ્લોર પર સદગુરુ સદાફલ મહારાજના આધ્યાત્મિક જીવન પર આધારિત એક પ્રદર્શન, ગુફા અને સત્સંગ હોલ બનાવવામાં આવ્યો છે. પહેલા માળે વેદ, ઉપનિષદ, ગીતા, મહાભારત, રામાયણની થીમ પર સ્વરવેદ પ્રથમ મંડળના અને બહારની દિવાલો પર 28 એપિસોડ બનાવવામાં આવ્યા છે.
આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે ત્યાં કોઈ જ ભગવાનની નહિ પરંતુ યોગની સાધના થાય છે. મંદિરની દીવાલોમાં સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે. મંદિરના દરેક માળની લગભગ બધી જ દીવાલો પર સ્વર્વેદના લગભગ ચાર હજાર દુહા લખેલા છે. બહારની દિવાલ પર વેદ, ઉપનિષદ, મહાભારત, રામાયણ, ગીતા વગેરે વિષયો પર 138 ચિત્રો બનાવવામાં આવ્યા છે, જેથી લોકો તેમાંથી પ્રેરણા લઈ શકે. આ અવસરે 25000 કુંડી સ્વર્વેદ જ્ઞાન મહાયજ્ઞનું આયોજન પણ થઇ રહ્યું છે. જેમાં લાખો સાધક અને સાધિકાઓ જનકલ્યાણ માટે તેમાં આહુતિ આપશે.
સાત માળનું આ ભવ્ય મંદિર ઉત્તર પ્રદેશના વારાણસીથી 12 કિમી દૂર ઉમરાહામાં આવેલું છે. તેને 125 પાંખડીઓવાળા કમળના ગુંબજથી શણગારવામાં આવ્યું છે. અહીં 20 હજાર લોકો માટે બેસવાની વ્યવસ્થા છે. આ મંદિરને બનાવવામાં ત્રણ લાખ ચોરસ ફૂટમાં ગુલાબી રેતીનો પથ્થર અને સફેદ મકરાણા માર્બલનો ઉપયોગ થયો છે . આ મંદિર 3 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં મકરાણા આરસપહાણ પર સ્વરવેદના 3137 છંદની કોતરણી કરવામાં આવી છે. મંદિરમાં 101 ફુવારા છે.મહામંદિરના પ્રાંગણમાં સુંદર બગીચો પણ વિકસાવવામાં આવી રહ્યો છે, જેમાં અલગ અલગ પ્રકારની ઔષધીય વનસ્પતિના છોડ રોપવામાં આવ્યા છે.
મંદિરની આજુબાજુ પરિક્રમા પથ
પહેલા માળથી પાંચમા માળ સુધી અંદરની દીવાલો પર સ્વર્વેદના દંપતિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને બહારની દિવાલો પર ઉપનિષદ, ગીતા અને રામાયણની પ્રેરણાદાયી વાર્તાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સાતમા માળે આધુનિક ટેકનોલોજીથી સજ્જ બે અત્યાધુનિક ઓડિટોરિયમ છે. જેમાં ભક્તો વિહંગમ યોગની સૈદ્ધાંતિક અને વ્યવહારિક સમજનું જ્ઞાન મેળવશે. મંદિરની આજુબાજુ પરિક્રમા કરવામાં આવી છે અને ફુવારાઓ લગાવવામાં આવ્યા છે. બહાર, ગુલાબી રેતીના પથ્થરમાંથી હાથી અને હરણ જેવા જંગલી પ્રાણીઓની પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે.
વર્ષ 2021માં પણ વડાપ્રધાને આ મંદિરની મુલાકાત લીધી હતી. તે દરમિયાન જ તેમણે આ મંદિરના ઉદ્ઘાટનનું આમંત્રણ સ્વીકાર્યું હતું અને અહીં આવવાનું વચન આપ્યું હતું.
જાણો આ ‘સ્વર્વેદ મહામંદિર’ની વિશેષતાઓ.
- આધ્યાત્મિકતાના પ્રતીક સ્વર્વેદ મહામંદિર આધ્યાત્મિકતા ગ્રંથ સ્વર્વેદને સમર્પિત છે
- 100 કરોડ રૂપિયા ખર્ચે બનેલુ આ 7 માળનું મંદિર 64 હજાર ચોરસ ફૂટમાં વિસ્તરેલું છે
- સાત માળના આ મંદિરની ઊંચાઈ 180 ફૂટ છે
- મંદિરનો કુલ વિસ્તાર 2.5 લાખ ચોરસ ફૂટ છે, જેમાંથી 80 હજાર ચોરસ ફૂટમાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે
- 5 માળની દીવારો પર સ્વર્વેદના 4 હજારથી વધુ દોહા અંકિત છે.
- મંદિરમાં 135 ફૂટ ઉંચી સદગુરુદેવની રેતીના પથ્થરની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે
- સદાફળ દેવે પ્રથમ વારસદાર બનાવ્યા હતા, આ પરંપરા ચાલતી આવે છે
- મંદિરની ટોચ પર GRC ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ 125 પાંખડીઓવાળા નવ કમળના આકારના ગુંબજ છે, જે ગુજરાતમાંથી મંગાવવામાં આવ્યા છે
- રાજસ્થાનના બંસીપહારપુરથી લાવવામાં આવેલા ત્રણ લાખ ઘનફૂટ સુંદર ગુલાબી સેંડસ્ટોનમાંથી કોતરવામાં આવેલી કલાકૃતિઓ દ્વારા પણ આધ્યાત્મિક સંદેશો આપવામાં આવ્યા છે
- બહારની બારીઓ પર 132 ઋષિ-મુનિઓની મૂર્તિઓ પણ સ્થાપિત છે
- મહામંદિરના પ્રાંગણમાં સુંદર બગીચો પણ વિકસાવવામાં આવી રહ્યો છે
મંદિરમાં બનેલા બગીચામાં ઘણા પ્રકારની ઔષધીય વનસ્પતિના છોડ રોપવામાં આવ્યા છે. - મંદિરની ચારેબાજુ 101 ફુવારા લગાવવામાં આવ્યા છે.
- કેમ્પસમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને ટપક સિંચાઈ વગેરે જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- ગુજરાતના ઉદ્યોગપતિ દેવવ્રત ત્રિવેદી અને ચિરાગભાઈ પટેલની મદદથી મંદિર બનાવવામાં આવ્યું છે.