વર્લ્ડકપ 2023ની હાર બાદ પહેલીવાર સામે આવ્યો રોહિત શર્મોનો ઈમોશનલ વીડિયો

Rohit-Sharma

વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હારનું દુ:ખ હું ભૂલી શકતો નથીઃ રોહિત શર્મા
રોહિત શર્મા સાઉથ આફ્રિકાના પ્રવાસમાં વાપસી કરશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ફાઈનલમાં થયેલ હારનું દુ:ખ હજુ ભૂલી શકતો નથી. લગભગ 22-23 દિવસ પછી પહેલીવાર ભારતીય કેપ્ટન રોહિત શર્માનો પહેલો ઈન્ટરવ્યૂ સામે આવ્યો છે. રોહિત શર્માએ પ્રથમ વખત વર્લ્ડકપ 2023માં મળેલી હારને લઈને પોતાનું દર્દ દુનિયા સામે મુક્યું છે. આ સમય દરમિયાન હજુ પણ તેમના ચહેરા પર ચમક ન હતી. તે સ્પષ્ટ હતું કે, કદાચ, તે હજી પણ તે દુ: ખ છુપાવવા માટે સક્ષમ નથી. તેમના ઈન્ટરવ્યૂનો વીડિયો મુંબઈ ઈન્ડિયન્સે શેર કર્યો હતો.

રોહિત શર્માનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રોહિત શર્માએ કહ્યું, ‘મને ખબર નહોતી કે વર્લ્ડ કપ ફાઈનલની હારના દુ:ખમાંથી કેવી રીતે બહાર નીકળવું. રોહિતે કહ્યું કે શરૂઆતમાં તે સમજી શક્યો ન હતો કે આ હાર બાદ આગળ કેવી રીતે વધવું. ‘મને કશુ સમજાતું ન હતું કે હું શું કરું? ફાઈનલની એ હાર સ્વીકારવી મારા માટે સરળ ન હતી. મારે તેમાંથી બહાર નીકળવું હતું પરંતુ તે ખૂબ મુશ્કેલ હતું.’ મારા પરિવાર, મારા મિત્રોએ મને સપોર્ટ કર્યો. તેઓ સતત પ્રયાસ કરી રહ્યા હતા કે હું પ્રેશરમાં ન રહું.

રોહિતે આગળ કહ્યું, ‘હું હંમેશા વનડે વર્લ્ડ કપ જોઈને મોટો થયો છું. તે મારા માટે ખુબ મોટું ઇનામ હતું. અમે આટલા વર્ષો સુધી એક જ વર્લ્ડ કપ માટે પ્રયાસ કર્યો. અમે બધું સારું કર્યું, પરંતુ પરિણામ અમારા પક્ષમાં ન આવ્યું. જો કોઈ મને પૂછે કે તમે શું ખોટું કર્યું છે, તો મારી પાસે જવાબ નથી. જ્યારે તમે બધું કરો છો અને હજુ પણ તમને જે જોઈએ છે તે મળતું નથી, તમે જેનું સપનું જુઓ છો. પછી તમે પરેશાન થઇ જાઓ છો.

રોહિત શર્માએ કહ્યું કે તેને તેની ટીમ અને ટીમના પ્રદર્શન પર ગર્વ છે. રોહિતે કહ્યું, ‘જો કોઈ મને પૂછે કે શું ખોટું થયું, તો મારી પાસે જવાબ નથી. કારણ કે અમે 10 મેચ જીત્યા. અમે તે 10 મેચોમાં ભૂલો કરી હતી પરંતુ તે એવી ભૂલો હતી જે દરેક મેચમાં થાય છે. કોઈપણ મેચ તમારા માટે પરફેક્ટ હોઈ શકે નહીં. જો હું બીજી બાજુ જોઉં તો મને ટીમ પર ગર્વ છે. અમે જે રીતે રમ્યા તે શાનદાર હતું. તમને દરેક વર્લ્ડ કપમાં આવી તક નથી મળતી. હું આશા રાખું છું કે ફાઇનલ પહેલા તેના પ્રદર્શનથી ચાહકો ખૂબ જ ખુશ થયા હશે.’

હિટમેને આગળ કહ્યું, ‘ફાઇનલ પછી, તેમાંથી કેવી રીતે બહાર આવવું તે મારા માટે સરળ નહોતું. મેં ક્યાંક દૂર જવાનું નક્કી કર્યું જ્યાં હું તેમાંથી બહાર નીકળી શકું. હું જ્યાં પણ જતો હતો ત્યાં એ યાદો મારી સાથે હતી. પરંતુ દરેકનો આભાર કે અમને આટલો સપોર્ટ પ્રેમ આપ્યો. દોઢ મહિના સુધી લોકોએ અમને સમર્થન આપ્યું, સ્ટેડિયમમાં આવ્યા, તે બધાનો ખૂબ ખૂબ આભાર. જે લોકો સ્ટેડિયમમાં આવ્યા હતા અને જે ટીવી પર મેચ જોઈ રહ્યા હતા. દોઢ મહિનામાં અમને ટેકો આપવા બદલ હું તેમની પ્રશંસા કરું છું. પરંતુ સૌથી સારી વાત એ હતી કે અમે ફાઈનલ હાર્યા બાદ જ્યારે હું લોકોને મળ્યો ત્યારે તેઓ અમને સમજી શક્યા. તેનામાં કોઈ ગુસ્સો નહોતો. મને તે લોકો માટે પણ ખરાબ લાગી રહ્યું હતું કારણ કે તે પણ અમારી જેમ વર્લ્ડ કપ જીતવા માંગતા હતા. હું તેમને મળ્યો ત્યારે મેં શુદ્ધ પ્રેમ જોયો. આ પુનરાગમન કરવાનો આત્મવિશ્વાસ આપે છે.’ આનાથી મને શક્તિ મળી અને હું આગળ વધવા સક્ષમ છું.

રોહિત શર્મા હવે બ્રેક બાદ સાઉથ આફ્રિકા પ્રવાસ પર વાપસી કરવા જઈ રહ્યો છે. સૌથી પહેલા તે ઈન્ડિયા A તરફથી રમતા જોવા મળશે. તે પછી, તે બે મેચની ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયા માટે કેપ્ટન તરીકે વાપસી કરશે. તે આ સિરીઝ માટે ODI અને T20 ટીમનો ભાગ નથી. અત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે શું તે T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાનો ભાગ હશે કે નહીં. કેટલાક અહેવાલો એવા છે કે બોર્ડ તેને વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે જોવા માંગે છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.