ગિરનારની પરિક્રમા શરૂ થવાના બે દિવસ પહેલા જ શ્રધ્ધાળુઓ પરિક્રમા ગેટ પાસે પહોંચી ગયા

girnar-parikrama

કારતક સુદ અગિયારસની રાતે 12 વાગ્યે પૂજા પ્રાર્થના બાદ પરિક્રમાનો પ્રારંભ થશે
પરિક્રમામાં યાત્રિકો 40 કિમીની યાત્રા દરમિયાન મુખ્ય ચાર પડાવ ચાર દિવસમાં પાર કરે છે

ગુજરાતમાં ગિરનાર શેત્રુંજી તેમજ પાવાગઢની પરિક્રમાનું ખાસ મહત્વ છે. તેમાં પણ જુનાગઢમાં આવેલ ગિરનારની પરિક્રમાનું ખાસ મહત્વ છે. આ પરિક્રમા કરવા દેશભરમાંથી લાખો યાત્રિકો આવે છે. ત્યારે વહીવટી તંત્ર, પોલીસ, અન્નક્ષેત્રો તેમજ સેવા સંસ્થાઓ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે.

આ વખતની ગિરનાર પરિક્રમા તારીખ 23 નવેમ્બર કારતક સુદ એકાદશીથી તારીખ 27 નવેમ્બર કારતક સૂદ પૂનમ સુધી યોજાનાર છે. પરિક્રમા શરૂ થવાને આરે હવે બે દિવસ બાકી છે. જૂનાગઢમાં પરિક્રમા શરૂ થાય તે પહેલા જ શ્રદ્ધાળુ ઉમટ્યા છે. જેમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પરિક્રમા ગેટ પાસે ઉમટી પડ્યા છે. જંગલ વિસ્તારની મજા માણતા શ્રદ્ધાળુઓ જોવા મળ્યા છે. કારતક સુદ અગિયારસની રાતે પરિક્રમાનો પ્રારંભ થશે.

સાધુ સંતોના સૂચનોને ધ્યાનમાં લઈ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવા પ્રશાસન પ્રયત્ન કરી રહ્યું છે. વહીવટી તંત્ર, પોલીસ, અન્નક્ષેત્રો તેમજ સેવા સંસ્થાઓ દ્વારા પરિક્રમા માટેની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. ખાસ કરીને સ્વચ્છતા અને લોકોને પીવાના પાણીની સમસ્યા ના પડે તેની તૈયારી કરવી તંત્ર માટે કસોટી ભર્યું છે.

ગિરનારની પરિક્રમા શરૂ કરતાં યાત્રિકો 40 કિમીની યાત્રા દરમિયાન મુખ્ય ચાર પડાવ ચાર દિવસમાં પાર કરે છે. શ્રધ્ધાળુઓ સૌ પ્રથમ કારતક સુદ એકાદશીએ રાતે બાર વાગ્યે પરિક્રમા રૂટ પરથી પૂજા પ્રાર્થના કરી પરિક્રમા શરૂ કરે છે. આખી રાત ચાલ્યા બાદ પ્રથમ પડાવ જીણાબાવાની મઢી પહોંચે છે. ત્યાં ભોજન, ભજન અને ભક્તિ સાથે રાતવાસો કરી બીજા દિવસે ઇટવાની ઘોડી અને મેળવેલાંની કપરી ઘોડીનું ચઢાણ કરી માળવેલાની જગ્યામા પહોંચે છે. જે એકદમ ગાઢ જંગલોમાં આવેલ છે. ત્યાં બીજા પડાવનો રાતવાસો કરે છે. ઘણા લોકો અહી રોટલા, ઓળો, ખીચડીનું દેશી સ્વાદિષ્ટ ભોજન બનાવે છે અને ભક્તિ સાથે આનંદ માણે છે. ત્રીજા દિવસે ત્યાંથી આગળ ચાલતાં ચાલતાં સુરજકુંડ, સુખનાળા થઈ બોરદેવી પહોંચે છે. ત્યાં કુદરતી જંગલનો માહોલ અને વન્યજીવોના ખતરા સાથે રાતવાસો કરે છે. ત્યારબાદ આખરે ચોથા દિવસે બોરદેવીથી આગળ ચાલતા ભવનાથ પહુંચે છે અને દામોદરકુંડમાં સ્નાન કરી યાત્રા પૂર્ણ કરે છે. પ્રકૃતિની ગોદમાં ખળખળ કરતા ઝરણાઓ, ઊંચા ઢોળાવો, કપરાં ચઢાણ, ગાઢ જંગલ માં યાત્રીકો ભોજન ભજન અને ભક્તિ કરતાં કુદરતને માણે છે.

આ પરીક્રમા દરમિયાન 200 થી વધુ અન્નક્ષેત્રો, 150 સેવા સંસ્થાઓ, 25 થી વધુ મેડિકલ કેમ્પ અને આ વખતે ખાસ હાર્ટ એટેકને લઇ એમડી ડોકટર પણ તૈનાત રખાશે. પીવાના પાણીના 15 પોઇન્ટ, લાઈટ અને લોકોની સુરક્ષાને લઇ 500 થી વધુ પોલીસ કર્મી યાત્રા રૂટ પર તૈનાત રહેશે. આ વર્ષે મોસમ સારી હોય અને કુદરત પણ મહેરબાન હોય તો પંદર લાખ યાત્રિકો કુદરતને માણવા આવે તેવી સંભાવનાને ધ્યાનમાં લઈ એસટી તંત્ર, રેલ તંત્ર, તેમજ ટ્રાફિક નિયમનની સુવિધા ઉપલબ્ધ કરાશે. લોકોને કોઈ જાતની તકલીફ ના પડે તેવી સંપૂર્ણ તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે.