રાજસ્થાનમાં કાળા નાણાને લઈને ઈનકમટેક્સ વિભાગે રેડ પાડી હતી
બે લોકર ખોલવામાં આવ્યા હતા અને એક લોકરમાંથી લાખો રોકડ મળી આવી હતી. બીજા લોકરમાંથી ચલણી નોટો ભરેલી બોરી મળી આવી છે અને તેની ગણતરી ચાલી રહી છે
ગત મહિને રાજ્યસભા સાંસદ કિરોડી લાલા મીણાએ આરોપ લગાવ્યો હતો કે આ લોકરમાં પેપર લીકથી કમાયેલું કાળું નાણુ રાખવામાં આવ્યું છે. તેથી રાજસ્થાનના જયપુરના ગણપતિ પ્લાઝામાં કાળા નાણાને લઈને ઈનકમ ટેક્સ વિભાગે રેડ પાડી હતી. પ્રથમ તબક્કામાં બે લોકર ખોલવામાં આવ્યા હતા અને એક લોકરમાંથી લાખો રોકડ મળી આવી હતી. બીજા લોકરમાંથી ચલણી નોટો ભરેલી બોરી મળી આવી છે અને તેની ગણતરી ચાલી રહી છે.
આ મામલે પહેલી રેડ 13 ઓક્ટોબરે પાડી હતી. લોકર ધારકોનો ડેટા તૈયાર કરાયો જે બાદ 20 ઓક્ટોબરે 80 લોકર ધારકોને નોટિસ આપવામાં આવી. 17 ઓક્ટોબરે ત્રણ લોકરમાંથી 30 લાખ રુપિયા નીકળ્યા. 21 ઓક્ટોબરે 2.46 કરોડ રુપિયા જપ્ત કરાયા. અત્યાર સુધીમાં લોકરમાંથી 7 કરોડ રુપિયાથી વધુની રોકડ અને 12 કિલોથી વધુનું સોનું જપ્ત કરાયું છે.
ગણપતિ પ્લાઝામાં લગભગ 1100 લોકર છે, જેમાંથી 540 લોકર એક્ટિવ જ નથી. કેટલાંક લોકર્સ એવા પણ મળ્યા છે જેના માલિકના નામ અને એડ્રેસ જ નથી. એટલે કે જેમના નામે આ લોકર્સ લેવામાં આવ્યા છે તેનું કોઈ જ અસ્તિત્વ નથી. રેડ દરમિયાન આવકવેરા વિભાગે કેટલાંક મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ મળી આવ્યા છે જેણે જપ્ત કરી લેવાયા છે.
જ્યારે ગણપતિ પ્લાઝાના લોકરમાંથી રોકડ અને સોનાની રિકવરી વિશે પૂછવામાં આવ્યું ત્યારે ભાજપના સાંસદ કિરોની લાલ મીણાએ કહ્યું, ‘મેં જે કહ્યું હતું, આખરે થયું.’ કેએલ મીણા આ લોકરો ખોલાવવા માટે હડતાળ પર હતા. તેમણે કહ્યું કે ગણપતિ પ્લાઝાના 100 લોકરમાં 50 કિલો સોનું અને લગભગ 500 કરોડ રૂપિયાનું કાળું નાણું છુપાવવામાં આવ્યું છે. તેણે રાજસ્થાન એન્ટી કરપ્શન બ્યુરો, આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં પણ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમનો આરોપ છે કે આ નાણાં રાજસ્થાનમાં વિવિધ કૌભાંડો અને પેપર લીક કૌભાંડોમાંથી એકત્ર કરવામાં આવ્યા છે.