પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ સ્ટેશન નહીં જવું પડે, પોલીસ તમારા ઘરે આવીને વેરિફિકેશન કરશે

passport office

રાજ્ય પાસપોર્ટ ઓફિસે ગુજરાતના તમામ પોલીસ કમિશ્નરો-અધિક્ષકોને સ્પષ્ટતા મોકલી
RTI હેઠળ પાસપોર્ટ કચેરીની સ્પષ્ટતા, ફક્ત રાષ્ટ્રીયતા-ક્રિમિનલ કેસની તાપસ કરવાની જ સત્તા

પાસપોર્ટની અરજી લઈને નાગરિકો ભારે પરેશાન થઈ રહ્યાં છે. કેમકે અરજી કર્યા બાદ વેરીફિકેશન માટે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવે એટલે તમામ દસ્તાવેજો સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થવુ પડે છે. પણ RTI હેઠળ ખુદ પાસપોર્ટ કચેરીએ સ્પષ્ટતા કરી છે કે, અરજદારોએ ત્યાં જવાની જરૂરત નથી. પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારોને પોલીસ સ્ટેશનોમાં રૂબરૂ બોલાવવાની જરૂર નથી. નિયમ મુજબ પોલીસ તમારા ઘરે આવીને વેરિફિકેશન કરશે.

ઉપરાંત, અરજદારના સરનામાં અંગે કોઈ ચકાસણી કરવાની જરૂરિયાત પોલીસને નથી. અરજદારને રૂબરૂ મળવા અથવા અરજદારની સહી લેવાની કોઈ જરૂરિયાત નથી. જરૂરી લાગે તો પોલીસ કોઈ કેસમાં અરજદારને મળવા અથવા એની રહેણાંક જગ્યા પર જઈ શકે છે. કોઈ ખાસ કેસમાં પાસપોર્ટ ઓફિસ દ્વારા પોલીસને સૂચના આપવામાં નહી આવે ત્યાં સુધી કોઈ પણ દસ્તાવેજ ચકાસણી કરવાની નથી. પોકેટ કોપ મોબાઈલ એપથી પાસપોર્ટ વેરિફિકેશન કરવાનું હોવાથી પોલીસે અરજદારના ઘરે જઈને વેરિફિકેશન કરવું એવું સ્પષ્ટ સૂચના પોલીસ મહાનિર્દેશક દ્વારા વારંવાર અપાઈ છે.

સુરતના જાગૃત્ત નાગરિક સંજય ઇઝાવા દ્વારા પાસપોર્ટ ઓફિસ અને પોલીસ કમિશ્નર કચેરીમાં આ સંદર્ભમાં RTI કરવામાં આવી હતી. જેના જવાબમાં જાણવા મળ્યુ છે કે, તારીખ 20/11/2018ના રોજ પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલય, અમદાવાદ દ્વારા ગુજરાતના તમામ કમિશ્નરો તથા પોલીસ અધિક્ષકોને મોક્લવામાં એક સ્પષ્ટતા મોકલાઈ છે. જે મુજબ, પોલીસે ફક્ત અરજદારની રાષ્ટ્રીયતા અને ક્રિમિનલ કેસ અંગેની તાપસ કરવાની હોય છે. અરજદારની ઓળખ અંગે પાસપોર્ટ કચેરી-પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા ચકાસણી કરાતી હોવાથી આ અંગેનું કોઈ કામ પોલીસને કરવાનું રહેતુ નથી.