ભારતની પ્રથમ વનડે જીતમાં ભજવી હતી મહત્ત્વની ભૂમિકા, 77 વર્ષની વયે નિધન
દિગ્ગજ સ્પિનરે 1967થી 1979 વચ્ચે ભારત માટે 67 ટેસ્ટ રમી હતી અને 266 વિકેટ ઝડપી હતી
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને લેજેન્ડરી સ્પિનર બિશન સિંહ બેદીનું આજે 77 વર્ષની વયે નિધન થયું છે. 1970ના દાયકામાં સ્પિન બોલિંગની પ્રખ્યાત ચોકડી (બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર, રાઘવન)નો ભાગ બનેલા બિશન સિંહ બેદી દુનિયાને અલવિદા કહ્યું છે. દિગ્ગજ સ્પિનરે 1967થી 1979 વચ્ચે ભારત માટે 67 ટેસ્ટ રમી હતી અને 266 વિકેટ ઝડપી હતી. તેમણે 10 વન-ડે ઈન્ટરનેશનલમાં સાત વિકેટ લીધી હતી. તેમણે 22 ટેસ્ટ મેચોમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી હતી.
પ્રધાનમંત્રી મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે સહિત અનેક રાજનેતાઓ તથા ખેલાડીઓએ દિગ્ગજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આ લિસ્ટમાં પૂર્વ ભારતીય ક્રિકેટ રવિ શાશ્ત્રી તથા ઈરફાન પઠાણે પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
બિશન સિંહ બેદીનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ અમૃતસરમાં થયો હતો. બિશન સિંહ બેદી ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હી માટે રમતા હતા. તેઓ પ્રખ્યાત લેફ્ટી સ્પિનર હતા. તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ભારત માટે લીડીંગ વિકેટ ટેકર હતા. તેમણે 370 મેચમાં 1560 વિકેટ ઝડપી છે. તેમણે 1978/79 અને 1979/80માં દિલ્હીને રણજી ટ્રોફી જિતાડી હતી. તેમની કપ્તાની હેઠળ ટીમ 2 વાર રનરઅપ પણ પણ બની હતી. 5 વર્ષના ગાળામાં તેમની કપ્તાનીમાં ટીમ 4 વખત ફાઇનલમાં પહોંચી હતી. તેમણે ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ સર્કિટમાં પણ પોતાના ઓફ-સ્પિનના લીધે નામ કમાયું હતું. તેઓ નોર્થહેમ્પટનશાયર માટે 1972થી 1977માં 102 મેચ રમ્યા હતા. આ દરમિયાન તેમણે 434 વિકેટ લીધી હતી. જે કાઉન્ટી ક્રિકેટમાં કોઈપણ ભારતીય દ્વારા સૌથી વધુ વિકેટનો રેકોર્ડ છે. તેમણે 67 ટેસ્ટ મેચમાં 266 વિકેટ ઝડપી હતી. તેમણે ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં 1560 વિકેટ ઝડપી હતી. પંજાબ તરફથી પોતાના ક્રિકેટિંગ કરિયરની શરૂઆત કરનાર બિશન સિંહ બેદીએ ભારતીય ટીમ સિવાય દિલ્હીની રણજી ટીમ સાથે મોટા ભાગનો સમય વિતાવ્યો હતો. દિલ્હીની રણજી ટીમ સાથે તે વર્ષ 1968માં જોડાયા હતા. તેમણે લગભગ 12 વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી હતી.
બેદી, એરાપલ્લી પ્રસન્ના, બીએસ ચંદ્રશેખર અને એસ. વેંકટરાઘવન સાથે, ભારતના સ્પિન બોલિંગ ઇતિહાસમાં એક પ્રકારની ક્રાંતિના આર્કિટેક્ટ હતા. તેમણે ભારતની પ્રથમ વનડે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 1975માં તેમના ઈકોનોમિકલ બોલિંગ સ્પેલ 12-8-6-1 ના લીધે ભારતે ઇસ્ટ આફ્રિકાને 120 રનના સ્કોર સુધી સીમિત રાખ્યું હતું. આ બાદ સુનિલ ગાવસ્કર અને ફારુખ એંજિનિયરની ફિફટી થકી એકપણ વિકેટ ગુમાવ્યા વિના ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ ભારતની વનડેમાં સર્વપ્રથમ જીત હતી.