ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ મલિકની પાકિસ્તાનમાં હત્યા, છેલ્લા 20 દિવસમાં ત્રીજો આતંકી ઠાર

dowoodMalik

પાકિસ્તાનના નોર્થ વઝીરિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ દાઉદ મલિકની ગોળી મારીને હત્યા કરી
દાઉદ મલિક એ વૈશ્વિક આતંકી સંગઠન જૈશ એ મહોમ્મદના ચીફ મસૂદ અઝહરનો નિકટનો સાથીદાર હતો

છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનમાં બેસીને ભારતવિરોધી કાવતરાં કરતા આતંકવાદીઓની માઠી દશા બેઠી છે. અહેવાલોનું માનીએ તો જૈશ-એ-મોહમ્મદના સ્થાપક મસૂદ અઝહરના નજીકના સાથી ગણાતા આતંકવાદી દાઉદ મલિકની પાકિસ્તાનમાં હત્યા કરી નાખવામાં આવી છે. મસૂદ અઝહર એ જ ઇસ્લામી આતંકવાદી છે જેણે ભારતમાં પુલવામા હુમલો કરાવ્યો હતો, જેમાં 40 જવાનો વીરગતિ પામ્યા હતા.

પાકિસ્તાનમાં ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ મલિક માર્યો ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના ઉત્તર વઝીરિસ્તાનમાં અજાણ્યા લોકોએ તેના પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે તેનું મોત થયું છે. મળેલ માહિતી મુજબ દાઉદ મલિક લશ્કર-એ-જબ્બરના સ્થાપક સભ્યોમાંથી એક હતો.
દાઉદ મલિક માટે કહેવાય છે કે, ભારતીય વાયુસેનાએ પુલવામા હુમલાનો બદલો લેવા માટે બાલાકોટ પર એરસ્ટ્રાઈક કરી ત્યારે આ આતંકી ત્યાં જ હતો. જોકે તે હુમલામાં બચી ગયો હતો. આ તમામ આતંકીઓને પાકિસ્તાન સુરક્ષા પણ પૂરી પાડે છે.

પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સમાં તેની હત્યાની પુષ્ટિ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે સવારે ઉત્તર વઝીરિસ્તાનના મિરાલી વિસ્તારમાં માસ્ક પહેરેલ અજાણ્યા લોકોએ તેના પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં તેનું મોત થયું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે આ હત્યા વ્યસ્ત બજારમાં કરવામાં આવી હતી. દરમિયાન, પોલીસે અન્ય એક અહેવાલમાં જણાવ્યું હતું કે દાઉદ પર ખાનગી ક્લિનિકમાં હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. તેઓ કોણ હતા એ જાણવા મળ્યું નથી.

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં માર્યા ગયેલા આતંકીઓ આ પ્રમાણે છે

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આવો ત્રીજો કિસ્સો છે, જેમાં ભારતવિરોધી આતંકવાદીની પાકિસ્તાનમાં હત્યા થઈ હોય.

  • 11 ઓક્ટોબર 2023ના રોજ પાકિસ્તાનમાં આતંકવાદી શાહિદ લતીફની હત્યા કરી નાખવામાં આવી હતી. તે ભારતના પઠાણકોટમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો.
  • 1 ઓક્ટોબર 2023નાં રોજ કરાંચીમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી અને હાફીઝ સઈદના સાથી મુફ્તી કૈસર ફારૂકને અજાણ્યા હુમલાખોરોએ ગોળીએ દીધો હતો.
  • 20 ફેબ્રુઆરીએ બશીર અહેમદ પીરની રાવલપિંડીમાં હત્યા થઈ હતી.જે ભારતની આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો
  • ગયા મહિને લશ્કર એ તોઈબાના પ્રમુખ હાફિઝ સઈદના નિકટના અબુ કાસિમની રાવલકોટમાં ગોળી મારી હત્યા કરાઈ હતી
  • ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના આતંકી અને ભારતમાં મોસ્ટ વોન્ટેડ પરમજીત સિંહની પણ અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી
  • જૈશ એ મહોમ્મદના ખૂંખાર આતંકી જહૂર મિસ્ત્રીનુ પણ મર્ડર થઈ ગયુ હતુ. આ આતંકી કંદહાર વિમાન અપહરણકાંડમાં સામેલ હતો.
  • ખાલિદ રઝા નામના આતંકીને કરાચીમાં ગોળી મારીને ઢાળી દેવાયો હતો.