ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રનથી હરાવ્યું

aus-win

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ODI World Cup 2023માં ગઈકાલે 18મી મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે પાકિસ્તાનને 62 રને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ આ પહેલાં શ્રીલંકા સામે પ્રથમ જીત મેળવી હતી. આમ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023માં બીજી જીત હાંસલ કરી છે.

શુક્રવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 367 રન બનાવ્યા હતા. તો પાકિસ્તાન 45.3 ઓવરમાં 305 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

પાકિસ્તાની ઓપનર અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ હકે 368 રનના લક્ષ્યને ચેઝ કરવા માટે મજબૂત શરૂઆત આપી હતી. બંને બેટર્સે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. અબ્દુલ્લા 22મી ઓવરમાં 64 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની પ્રથમ ઓવર નાખવા આવેલા સ્ટોઇનિસે પહેલા જ બોલ પર તેની વિકેટ લીધી હતી. પાકિસ્તાની ઓપનરોએ 127 બોલમાં 134 રનની ભાગીદારી કરી હતી.

ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે શાનદાર સદી ફટકારી હતી, બંને ઓપનરોએ 259 રનની ઓપનિંગ ભાગીદારી પણ કરી હતી. એડમ ઝામ્પા અને માર્કસ સ્ટોઇનીસે મિડલ ઓવરોમાં વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયા માટે મેચ જીતી લીધી હતી. ઝામ્પાને 4 અને સ્ટોઇનિસ અને કેપ્ટન પેટ કમિન્સને 2-2 વિકેટ મળી હતી.