મુંબઈ અને દિલ્હીમાં આગામી 4-5 દિવસ હવાની ગુણવત્તા ખરાબ રહેશે

delhi-mumbai

નિયમોનું પાલન ન કરતી બાંધકામ સાઇટ્સને બંધ કરાવવામાં આવશે
દિલ્હી સરકારે દિવાળી પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધની માગ

છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં સ્મોગનું જોખમ વધી રહ્યું છે. આગામી બે દિવસ સુધી સવારે હળવું ધુમ્મસ જોવા મળી શકે છે. નવી સિસ્ટમની અસર 23 ઓક્ટોબરથી દિલ્હી-NCRના વિસ્તારોમાં જોવા મળશે. પવનની ઝડપ ઘટવાથી દિલ્હીમાં પ્રદૂષણ વધશે.

હવામાન વિભાગે કહ્યું છે કે પવનની દિશામાં ફેરફાર થવાને કારણે તેમજ પવનની ઝડપ ઘટવાને કારણે આગામી 4-5 દિવસમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર કરી શકે છે એટલે કે હવા નબળી શ્રેણીમાં રહી શકે છે. શુક્રવારે કેન્દ્ર સાથે રાજ્યોની સંયુક્ત બેઠકમાં, દિલ્હી સરકારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને દિલ્હીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા જણાવ્યું હતું.

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે શુક્રવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના પર્યાવરણ મંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન દિલ્હીએ સમગ્ર NCR ક્ષેત્રમાં પ્રદૂષણને કાબૂમાં લેવા માટે ઘણા પગલાં સૂચવ્યા. રાયે કહ્યું હતું કે દિલ્હી સરકારે શિયાળાની ઋતુમાં વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે ઘણા પગલાં લીધાં છે, પરંતુ જ્યાં સુધી હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ NCRમાં પ્રદૂષણ પર ધ્યાન આપવામાં નહીં આવે ત્યાં સુધી આ પગલાં અસરકારક રહેશે નહીં. આ અગાઉ, ગોપાલ રાયે કેન્દ્રને વિનંતી કરી હતી કે શિયાળાની ઋતુમાં પ્રદૂષણનો સામનો કરવા માટે તમામ NCR રાજ્યોની બેઠક બોલાવે.

દિલ્હી ઉપરાંત મુંબઈમાં પણ હવાની ગુણવત્તા ખરાબ થવા લાગી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ ચેતાવણી આપી છે કે જો ધૂળ અને પ્રદૂષણને રોકવા માટે પગલાં લેવામાં નહીં આવે, તો તે નિયમોનું પાલન ન કરતી બાંધકામ સાઇટ્સને બંધ કરી દેશે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા દર્શાવે છે કે દિવસ દરમિયાન શહેરમાં ઘણી જગ્યાએ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 200 થી ઉપર હતો. જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરે જણાવ્યું હતું કે તમામ સ્થળોએ ધોરણોનું પાલન કરવું જોઈએ.