ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની પોતાના પાર્ટનરથી અલગ થયા

meloni

સોશિયલ મીડિયા પર જાહેરાત કરી, 10 વર્ષના સંબંધનો અંત આણ્યો
જિયામ્બ્રુનો અને મલોનીના લાંબા સમયથી રિલેશનમાં હતા, તેમના લગ્ન થયા નહોતા

ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ આજે જાહેરાત કરી છે કે, તેમણે તેમના પત્રકાર સાથી એન્ડ્રિયા જિયામ્બ્રુનો સાથેના સંબંધનો અંત લાવી દીધો છે. મેલોનીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ મામલે પોસ્ટ કરી હતી કે એન્ડ્રિયા જિયામ્બ્રુનો સાથે મારા 10 વર્ષનાં સંબંધનો અહીં જ અંત થાય છે. અમે લગભગ 10 વર્ષ સુધી સાથે રહ્યા. 46 વર્ષીય ઈટાલિયન વડાપ્રધાને કહ્યું કે થોડાક સમયથી અમે અલગ અલગ રસ્તો અપનાવ્યો. હવે તેને સ્વીકારી લેવાનો સમય આવી ગયો છે. તેમણે ઉમેર્યું હતું કે તેમને સાત વર્ષની પુત્રી છે.

ઉલ્લેખનીય છે કે, એન્ડ્રિયા એક ટેલિવિઝન જર્નાલિસ્ટ છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી ઓન-એર પોતાની લૈંગિક ટિપ્પણીઓ માટે ટીકાનો સામનો કરી રહ્યા હતા. એક ટેલિવિઝન ચેનલ પર જાણીતાં કાર્યક્રમને હોસ્ટ કરનારા જિયામ્બ્રુનો ઓગસ્ટમાં તે સમયે વિવાદમાં ફસાયા હતા જ્યારે તેમણે શોમાં સૂચન કર્યું હતું કે મહિલાઓ વધારે દારૂ ન પીને દુષ્કર્મથી બચી શકે છે. તેના પર મેલોનીએ કહ્યું હતું કે તેમને તેમના પાર્ટનરની ટિપ્પણીના આધારે આંકી ન શકાય અને ભવિષ્યમાં તે તેમના વર્તન વિશે સવાલોનો જવાબ નહીં આપે.

નોંધનીય છે કે જિયામ્બ્રુનો અને મલોનીના લગ્ન થયા નહોતા. તેઓ લાંબા સમયથી રિલેશનમાં હતા. તેમની એક સાત વર્ષની દીકરી પણ છે. મેલોનીએ લખ્યું કે હું એકસાથે વીતાવેલા શાનદાર સમય માટે તેમનો આભાર વ્યક્ત કરવા માગુ છું. આ દરમિયાન જે પડકારોનો અમે સામનો કર્યો તેમાં સાથ રહેવા માટે અને મને મારા જીવનની સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ દીકરી જિનેવરા આપવા માટે હું તેમની આભારી છું.