બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક ઇઝરાયલ પહોંચ્યા, સુનકે કહ્યું- અમે તમારી સાથે છીએ

rishi-sunak

હમાસના આતંકવાદીઓ હજી પણ ઈઝરાયલમાં હાજર હોવાની શક્યતાઃ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ
ગાઝાને 100 મિલિયન ડોલરની માનવતાવાદી સહાયની ખાતરી

ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે 14મો દિવસ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 4,300 લોકોના મોત થયા છે. ગાઝામાં માનવતાવાદી કટોકટી ઊભી થઈ છે. ત્યાં લોકોને ભોજન કે પીવા માટે શુદ્ધ પાણી પણ નથી મળી રહ્યું. આજે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનાક ઇઝરાયલ સાથે એકજૂથતા દર્શાવવા ઈઝરાયેલ પહોંચ્યા હતા અને ઇઝરાયેલના PM નેતન્યાહુને મળ્યા હતા. ઇઝરાયલ પહોંચ્યા બાદ સુનકે કહ્યું- આ દેશે આતંકવાદનો સામનો કર્યો છે, અમે તેમની સાથે છીએ. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક રાષ્ટ્રપતિ ઈસાક હર્જોગ સાથે મુલાકાત કરશે.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું છે કે હમાસના આતંકવાદીઓ હજી પણ અમારા દેશમાં હાજર હોવાની શક્યતાને અમે નકારી શકીએ નહીં. ગાઝા સરહદી વિસ્તારોને સ્કેન કરવાનું કામ હજુ પૂર્ણ થયું નથી. અમે ગઇકાલે હમાસના એક આતંકવાદીને પણ ઝડપી લીધો હતો. તે ગાઝા પરત ભાગી રહ્યો હતો. આ દરમિયાન સંરક્ષણ દળોએ કહ્યું હતું કે ગાઝા પર હુમલામાં હમાસની એકમાત્ર મહિલા નેતા, જમીલા અલ-શાંતિ મોતને ભેટી છે. જમીલા હમાસના કો-ફાઉન્ડર અબ્દેલ અઝીઝ અલ-રંતિસીની પત્ની હતી.

બાઈડનની ઇઝરાયલ મુલાકાત બાદ અમેરિકાએ ઈરાન પર નવા પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. આ પ્રતિબંધો ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમ પર લગાવવામાં આવશે. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને આ માહિતી આપી છે. ઇઝરાયલથી પરત ફર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે ચર્ચા કરી હતી. અલ-સીસીએ ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવા લગભગ 20 ટ્રક મોકલવા માટે રાફા સરહદ ખોલવાની મંજૂરી આપી છે. ઇઝરાયલ સરકારે ખોરાક, પાણી અને દવાની સપ્લાયને મંજૂરી આપી દીધી છે. આ માટે ગાઝાપટ્ટી સાથે જોડાયેલી રાફા બોર્ડરનો ઉપયોગ કરવામાં આવશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ 18 ઓક્ટોબર, બુધવારે ઇઝરાયલ પહોંચ્યા હતા. તેઓ તેલ અવીવમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, રાષ્ટ્રપતિ ઈસાક હર્ઝોગ અને વોર કેબિનેટને મળ્યા હતા. તે અહીં લગભગ 4 કલાક રોકાયા હતા. બાઈડેને કહ્યું હતું કે હું ફરીથી કહેવા માગું છું કે ઇઝરાયલ અને તેના લોકો પોતાને એકલા ન સમજે. અમેરિકા તમારી સાથે છે. ઇઝરાયલમાં 7 ઓક્ટોબરે થયેલો હુમલો 9/11 કરતાં પણ મોટો છે. આ બહુ નાનો દેશ છે અને એક જ હુમલામાં હજારો લોકો માર્યા ગયા હતા. એ ન ભૂલવું જોઈએ કે આખરે આપણે માણસો છીએ. હમાસના હુમલાનો ઉદ્દેશ માત્ર વિનાશ જ હતો, બીજું કંઈ નહીં. અમેરિકા જતા પહેલા, બાઈડેને ગાઝાને માનવતાવાદી સહાય માટે 100 મિલિયન ડોલરની મદદ કરવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે આ સામગ્રી હમાસના હાથમાં ન પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવશે.

યુએસ પ્રેસિડન્ટ ઇઝરાયલ છોડતાંની સાથે જ ફરી હુમલાઓ શરૂ થઈ ગયા. ભારતીય સમય અનુસાર રાત્રે 11 વાગ્યે તેલ અવીવમાં વિસ્ફોટના અવાજો સંભળાવા લાગ્યા હતા. એક રોકેટ સમુદ્રમાં પડ્યું, ત્યાર બાદ ત્યાં મોટાં મોજાં ઊછળવા લાગ્યાં. ઇઝરાયલે મોડી રાત્રે લેબેનોનમાં હિઝબુલ્લાહનાં ઠેકાણાં પર હુમલો કર્યો હતો. ઇઝરાયલના સંરક્ષણ દળોનો દાવો છે કે આ હુમલાઓમાં ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સ કોર્પ્સનો પૂર્વ કમાન્ડર કાસિમ સુલેમાનીના સ્મારકને નિશાન બનાવવામાં આવ્યું હતું. કાસિમ સુલેમાની ઈરાનના પ્રખ્યાત કમાન્ડરોમાંનો એક હતો. 2020માં થયેલા હુમલામાં તે માર્યો ગયો હતો. બીજી તરફ, સાઉદી અરેબિયાએ લેબેનોનમાં હાજર પોતાના નાગરિકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવા કહ્યું છે.

ગાઝાની હોસ્પિટલ પર જે હુમલો થયો તે હમાસે કર્યો હતો. અમેરિકન ઈન્ટેલિજન્સ ઓફિસરોએ જણાવ્યું કે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ માટે સેટેલાઇટ ઇમેજ અને ઇન્ફ્રારેડ ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. એ સ્પષ્ટ થઈ ગયું કે ગાઝાની અંદરથી જ કોઈ રોકેટ અથવા મિસાઈલ છોડવામાં આવી હતી. એ ઇઝરાયલ તરફથી આવ્યાં નહોતાં. અગાઉ ઇઝરાયલે પણ આવો જ દાવો કર્યો હતો. આ પછી તેણે પુરાવા તરીકે હમાસના બે સભ્યો વચ્ચેની વાતચીતનો ઓડિયો પણ જાહેર કર્યો.