ગાઝાની હોસ્પિટલ પર થયેલ હુમલામાં 500થી વધુ લોકોનાં મોત થયા હતા
41 કિલોમીટર લાંબી અને 10 કિલોમીટર પહોળી ગાઝા પટ્ટીમાં સ્થિતિ બદથી બદતર બની રહી છે. મંગળવારે રાત્રે ગાઝાની એક હોસ્પિટલ પર મોટો હુમલો થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 500 લોકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ હવાઈ હુમલામાં ગાઝા શહેરના અહલી અરબ સિટી હોસ્પિટલને ટાર્ગેટ કરવામાં આવી હતી. હમાસે દાવો કર્યો હતો કે આ હુમલો ઇઝરાયલે કર્યો હતો. સાથે જ ઇઝરાયલે કહ્યું છે કે હોસ્પિટલ પર હુમલામાં તેમની કોઈ સંડોવણી નથી.
આ દરમિયાન, ઇઝરાયલી સેનાએ એક ફોન કોલ રેકોર્ડિંગ જાહેર કર્યું છે. જેમાં હમાસના બે ઓપરેટિવ હોસ્પિટલ પર હુમલાની વાત કરી રહ્યા છે. આમાં તેઓ કહી રહ્યા છે કે ઇસ્લામિક જેહાદે હોસ્પિટલ નજીકના કબ્રસ્તાનમાંથી લગભગ 10 રોકેટ છોડ્યા હતા. આમાંથી એક મિસફાયર થયું.
ઓડિયો ક્લિપમાં એક હમાસ ઓપરેટિવ બીજાને કહે છે – અમારી બાજુથી છોડવામાં આવેલા રોકેટને કારણે આ બન્યું? જવાબમાં, બીજો ઓપરેટિવ કહે છે – એવું લાગે છે, કારણ કે જે રોકેટના ટુકડા મળ્યા છે તે ઇઝરાયલી સૈન્યના નથી.
ઇઝરાયલ-હમાસ યુદ્ધના 13માં દિવસે અમેરિકી રાષ્ટ્રપતિ ઈઝરાયલ પહોંચ્યા છે. તેમની મુલાકાતએ દિવસે થઈ રહી છે જ્યારે યુદ્ધ વચ્ચે ગાઝાની એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં 500 લોકોનાં મોત થયાં હતાં.