દિલ્હી, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં આવકવેરા વિભાગનાં દરોડામાં 1 અબજ (102 કરોડ)થી વધુની સંપત્તિ જપ્ત

incometax-raid

દરોડામાં 94 કરોડ રુપયા રોકડા, 8 કરોડ રુપિયાથી વધુના સોના તેમજ હીરાના આભૂષણો તેમજ 30 લક્ઝરી ઘડિયાળો પણ જપ્ત કરાઈ

કોન્ટ્રાક્ટર્સ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ પર દિલ્હી, કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 55થી વધુ સ્થળોએ ચાલી રહેલી દરોડાની કાર્યવાહીમાં આવકવેરા વિભાગે લગભગ 94 કરોડ રુપિયા રોકડ જપ્ત કર્યા છે. આ દરોડા દરમિયાન 94 કરોડ રુપિયા રોકડા ઉપરાંત 8 કરોડ રુપિયાના સોના અને હીરાના આભૂષણ અને 30 લક્ઝરી ઘડિયાળો પણ જપ્ત કરી છે.

દરોડા દરમિયાન દસ્તાવેજની હાર્ડ કોપી અને ડિજિટલ ડેટા પણ જપ્ત કરાયા છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓએ ન માત્ર કર ચોરી કરી પરંતુ કોન્ટ્રાક્ટરે નકલી ખરીદીની સાથે ખર્ચાઓને વધારીને પોતાની આવકને ઓછી દેખાડી. દરોડા દરમિયાન માલ રસીદ નોટમાં વિસંગતાઓ મળી છે અને કેટલાંક દસ્તાવેજમાં ભારે વિસંગતાઓ જોવા મળી છે. દાવો કરાયો છે કે આ કોન્ટ્રાક્ટર બિન વ્યવહારિક ઉદ્દેશ્યો માટે બુકિંગ ખર્ચાઓમાં પણ સામેલ હતા.

CBDTએ એક નિવેદનમાં જણાવ્યું કે રેડ દરમિયાન લગભગ 94 કરોડ રુપિયા બિનહિસાબી રોકડ તથા 8 કરોડ રુપિયાથી વધુના સોના તેમજ હીરાના આભૂષણ, એમ કુલ મળીને 102 કરોડ રુપિયાથી વધુની સંપત્તિ જપ્ત થઈ છે. આ ઉપરાંત એક ખાનગી વેતનભોગી કર્મચારીના પરિસરથી લગભગ 30 લક્ઝરી વિદેશી કાંડા ઘડિયાળનું કલેક્શન પણ પકડાયું છે.

બિનહિસાબ રોકડની જપ્તી બાદ કર્ણાટકની સત્તારુઢ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ વચ્ચે વાકયુદ્ધ શરુ થયું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ નલિનકુમા કતીલે કહ્યું કે- આ પૈસા કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તો મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ આરોપને આધાર વગરનાં ગણાવ્યા છે.

12 ઓક્ટોબરે આવકવેરા વિભાગે રેડ શરુ કરાઈ હતી. આ દરમિયાન વિભાગ દ્વારા દિલ્હી, બેંગલુરુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાંક શહેરોનાં 55 પરિસરોમાં પણ રેડ કરી છે.