ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે આજે રાત્રે ભારતથી વિમાન ઈઝરાયલ જશે

arindam-bagchi

ઇઝરાયલમાં ભારતીયોનું રજીસ્ટ્રેશન શરૂ, અંદાજે 230 ભારતીયો આવતીકાલે કાલે સવારે ભારત પરત ફરશે

વિદેશમંત્રી જયશંકરે ‘ઓપરેશન અજય’ની સમીક્ષા કરી

ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે બુધવારે ભારતે ઇઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ‘ઓપરેશન અજય’ની જાહેરાત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ માઇક્રો બ્લોગિંગ સાઇટ પર ટ્વિટ કરતાં લખ્યું હતું કે ‘વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઓપરેશન અજયની તૈયારીઓની સમીક્ષા કરવા માટેની રિવ્યુ મિટિંગની અધ્યક્ષતા કરી હતી. MEA ટીમ ભારતીય નાગરિકોને ઘરે પરત ફરવામાં મદદ કરવા તૈયાર છે.’ આજે ‘ઓપરેશન અજય’ની તૈયારીઓની સમીક્ષા કરવા માટે વિદેશ મંત્રી એસ. જયશંકરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જાણવા મળી રહ્યું છે કે ઇઝરાયલમાં ભારતીય નાગરિકોનું રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવી રહ્યું છે.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ ઉગ્ર બનતા, ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે 24 x 7 ચાલતો હેલ્પલાઇન નંબર +972-35226748 અને +972-543278392 અને ઈમેલ આઈડી cons1.telaviv@mea.gov.in શરૂ કર્યા છે જેના પરથી તેઓ સંઘર્ષ અને રજીસ્ટ્રેશન અંગેની માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતીયોને પરત લાવવા સ્પેશિયલ ફ્લાઇટ આજે રાત્રે ભારતથી ઈઝરાયલ જશે અને આવતીકાલે કાલે સવારે ઈઝરાયલથી ભારતીયોને લઈને વિમાન પરત આવશે. પહેલી ફ્લાઈટમાં અંદાજે 230 ભારતીયો પરત લાવવામાં આવશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે હાલ 18 હજાર ભારતીયો ઈઝરાયલમાં ફસાયેલા છે, જેમાં 1 હજાર ભારતીય વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેમને પરત લાવવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ ઇઝરાયલ મોકલવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગુરુવારે પ્રથમ ફ્લાઇટ તેલ અવિવથી પ્રસ્થાન કરશે. તમામ ભારતીયોને સુરક્ષિત લાવવાના પ્રયાસ કરવામાં આવશે. ઇઝરાયલમાં ભારતીય દૂતવાસે વિગતો શેર કરતાં સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે મિશનના ચીફ રાજીવ બોડવાલે અને કોમર્શિયલ પ્રતિનિધિ નવીન રામકૃષ્ણએ ઇઝરાયલમાં ભારતીય કંપનીઓ સાથે શક્ય તમામ મદદ માટે વાત કરી હતી. મધ્ય પશ્ચિમ ભારતમાં ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ ગુરુવારે ઇઝરાયલમાં ફસાયેલા 18 હજાર જેટલા ભારતીયોને વતન પરત લાવવા માટે ઓપરેશન અજય લોન્ચ કરવા માટે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઓપરેશન અજય માટે તેલ અવીવમાં ભારતીય દૂતાવાસને મદદ કરવા માટે ઇઝરાયેલ સરકાર ઉત્તમ પ્રયાસો કરી રહી છે.