રણબીર કપૂર બાદ કપિલ શર્મા, હુમા કુરેશી, હિના ખાન અને શ્રદ્ધાકપુરને EDનું સમન્સ

bollywood star

મહાદેવ બેટિંગ એપ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 39 સ્થળોએ દરોડા પાડ્યા હતા

ફેબ્રુઆરી 2023માં બેટિંગ એપ ઓપરેટર સૌરભ ચંદ્રાકરે દુબઈમાં લગ્ન કર્યા. આ લગ્ન સમારોહમાં લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરિવારના પરિવહન માટે ખાનગી જેટ ભાડે લેવામાં આવ્યા હતા. આ સિવાય ફેમસ સેલિબ્રિટીઓને લગ્નમાં પરફોર્મ કરવા માટે બોલાવવામાં આવી હતી. EDએ મહાદેવ બેટિંગ એપ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રણબીર કપૂરને સમન્સ મોકલ્યું હતું. રણબીર કપૂરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને એક ઇમેઇલ મોકલીને હાજર થવા માટે એક અઠવાડિયાનો સમય માગ્યો છે. આ મામલે રણબીર કપૂર બાદ હવે કોમેડિયન કપિલ શર્મા, અભિનેત્રી હુમા કુરેશી અને હિના ખાનને સમન્સ પાઠવ્યા છે. PTI દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

રણબીર પર સૌરભ ચંદ્રાકરની બેટિંગ એપને પ્રમોટ કરવાનો આરોપ છે. EDનું કહેવું છે કે આ માટે હવાલા દ્વારા રણબીરને રોકડ ચુકવણી કરવામાં આવી હતી. રણબીર એક ઓનલાઈન સટ્ટાબાજીની એપને પ્રમોટ કરી રહ્યો હતો. આ સાથે તેણે માલિક સૌરભ ચંદ્રાકરના લગ્નમાં પણ હાજરી આપી હતી.

આ કેસમાં મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકર છે, જેના લગ્નમાં ટાઇગર શ્રોફ, નુસરત ભરૂચા, સુખવિંદર સિંહ, નેહા કક્કર અને સની લિયોન સહિત 14-15 સેલેબ્સ સામેલ થયા હતા. ED આ તમામને સમન્સ મોકલી શકે છે.

રણબીર શુક્રવાર, 6 ઓક્ટોબરે રાયપુરમાં ED ઓફિસમાં હાજર થવાનો હતો. અધિકારીઓએ કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અભિનેતા રણબીર કપૂરને ફરીથી સમન્સ મોકલશે. જો તે બે વખત સમન્સ જાહેર કર્યા પછી પણ પૂછપરછમાં સામેલ ન થાય તો EDની ટીમ રણબીર કપૂરને પૂછપરછ માટે કસ્ટડીમાં લઈ શકે છે.

15 સપ્ટેમ્બરના રોજ EDએ રાયપુર, ભોપાલ, મુંબઈ અને કોલકાતામાં 39 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને બુકીઓના છુપાયેલા સ્થળો પરથી 417 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરી હતી. જેમાં મોટી માત્રામાં સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી આવી હતી. ED આ એપ સાથે જોડાયેલા લોકો સામે સતત કાર્યવાહી કરી રહી છે.

‘મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ’ એ એક ગેમ એપ છે, જે 30 કેન્દ્રોથી ઓપરેટ થાય છે. તેના પ્રમોટર્સ દુબઈના છે, જ્યાં બેટિંગ ગેરકાયદે છે. શુક્રવારે જ રાયપુર, કોલકાતા, ભોપાલ અને મુંબઈમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને 417 કરોડ રૂપિયાની ગેરકાયદે સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન EDને જાણવા મળ્યું કે, મહાદેવ બુક એપ અને સટ્ટાબાજીનો આ મામલો છત્તીસગઢના કેટલાક રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ અને રાજનેતાઓના સહયોગીઓ સાથે સંબંધિત છે. આ સટ્ટાબાજીની એપનું ટર્નઓવર 20,000 કરોડ રૂપિયાની આસપાસ છે.