વર્લ્ડકપ 2023 : મોદી સ્ટેડિયમમાં પાર્કિંગ ચાર્જમાં વધારો, મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરાયો

modi stadium

વાહન પાર્કિંગ ચાર્જમાં 50 રૂપિયાનો વધારો કરાયો, મેચના દિવસે મેટ્રો ટ્રેન રાત્રે 1 વાગ્યા સુધી ચાલુ રહેશે
વાહનચાલકો “Show My Parking” નામની એપ્લિકેશન મારફતે ઓનલાઈન પાર્કિંગ બુક કરાવી શકશે

આગામી પાંચ ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થવાની છે ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ વર્લ્ડકપની પાંચ મેચો રમાવાની છે. આ મેચો દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા દર્શકોને પાર્કિંગ માટે કોઈ જાતની તકલીફ ના પડે તે માટે સ્ટેડિયમની આસપાસ વાહન પાર્કિંગ માટે કુલ 15 જેટલા પાર્કિંગ પ્લોટ ખાનગી એજન્સીઓ દ્વારા ભાડે રાખવામાં આવ્યા છે. આ પાર્કિંગ પ્લોટમાં કુલ 15 હજાર ટુ-વ્હીલર અને 8 હજાર જેટલા ફોર વ્હીલર પાર્ક કરી શકાશે. સ્ટેડિયમના અડધો કિલોમીટરથી લઇને અઢી કિલોમીટર સુધી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ટુ-વ્હીલર અને ફોર વ્હીલરના પાર્કિંગ માટે અલગ અલગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. પાર્કિગ માટે એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. વાહનચાલકો “Show My Parking” નામની એપ્લિકેશન મારફતે ઓનલાઈન પાર્કિંગ બુક કરાવી શકે છે. અગાઉ ખાનગી પાર્કિંગ પ્લોટમાં પાર્કિગ ચાર્જ ટુ વ્હીલરના રૂ.50 અને કારના રૂ.200 હતા.

ક્રિકેટના મહાકુંભમાં મેચ દરમ્યાન મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો સ્ટેડિયમમાં મેચ જોવા જશે. સ્ટેડિયમ જવા માટે લોકોને આવવા જવામાં કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરીને વધારો કરવામાં આવ્યો છે. હાલ મેટ્રો સવારના 6.20થી રાત્રીના 10 વાગ્યા સુધી ચાલે છે ત્યારે મેચના દિવસો દરમિયાન મેટ્રો રાત્રે 1 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતે નીચેની તારીખો પર સુનિશ્ચિત વર્લ્ડ કપ ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને, મેચના દિવસોમાં મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

રાત્રે 10 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર એક્ઝિટ ગેટ જ ખોલવામાં આવશે. એન્ટ્રી ગેટ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર રાત્રિના 1 વાગ્યે છેલ્લી ટ્રેન સેવાનાં પ્રસ્થાન સુધી ખોલવામાં આવશે.

મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની લેવાની ભીડ ટાળવા મુસાફરોની સુવિધા માટે 50 રુપિયાની પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેનો ઉપયોગ મેચના દિવસે રાત્રે 10 વાગ્યા પછી કોઈપણ સ્ટેશન સુધીની પરત મુસાફરી માટે કરી શકાશે.