એક જ દિવસમાં ચાર વખત ધરાધ્રૂજી, ભૂંકપના કારણે નેપાળમાં કેટલાક ઘરોની દિવાલો પણ ધરાશાયી થઈ
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં આજે ભૂંકપના મોટા આંચકા અનુભવાયા હતા. બપોરે 2.51 કલાકે આવેલા ભૂકંપના આંચકા એટલા ભયંકર હતા કે લોકો ગભરાઈને ઘર અને ઓફિસોથી બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળના દિપાયલથી 38 કિલોમીટર દૂર જમીનથી પાંચ કિલોમીટરની ઊંડાઈમાં હતું. ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે દિલ્હી, ઉત્તરાખંડ સિવાય નેપાળમાં પણ આંચકા અનુભવાયા. નેપાળમાં તો ભૂંકપના કારણે કેટલાક ઘરોની દિવાલો પણ ધરાશાયી થઈ હોવાના સમાચાર છે.
ભૂંકપની માહિતી આપનારા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે, ભૂકંપનો પહેલો આંચકો મંગળવારે સવારે 11:06 વાગ્યે આવ્યો હતો, જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.7 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હરિયાણાનું સોનીપત હતું. ત્યારબાદ બીજો ભૂકંપ બપોરે 1:18 મિનિટે આવ્યો હતો, જેની તીવ્રતા 3.0 મપાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર પૂર્વોત્તર ભારતના આસામનું કાર્બી આંગલોંગ હતું. ત્રીજો આંચકો બપોરે 2.25 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી. જ્યારે ચોથો ભૂકંપ 2.51 કલાકે આવ્યો હતો જેની નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં જમીનથી પાંચ કિલોમીટર ઊંડે હતું.
દિલ્હી સિવાય પણ ગાઝિયાબાદ, નોઈડા અને ફરિદાબાદ સુધી આંચકો અનુભવાયો હતો. અનેક સોસાયટીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને સેક્ટર 73માં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. દિલ્હી તથા એનસીઆર વિસ્તારમાં ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે લોકો પોતાની ઓફિસ તથા ઘરની બહાર નીકળી ગયા હતા. દિલ્હીમાં ભૂકંપને કારણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ વસાવા પણ પોતાની કચેરી નિર્માણ ભવનમાંથી બહાર આવી ગયા હતા. એમની સાથે અન્ય પદાધિકારીઓ પણ પાર્કિંગ એરિયામાં સુરક્ષિત પહોંચી ગયા હતા.
ગઈકાલે પૂર્વોત્તર રાજ્યો આસામ અને મેઘાલય સહિત દેશના 4 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગઈકાલે સાંજે પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ ધરતી ધ્રૂજી ગઈ હતી. મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મેઘાલયમાં સાંજે 6.15 કલાકે ભૂકંપ આવ્યો હતો જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.2 માપવામાં આવી હતી.