સ્કોટલેન્ડમાં ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનરને ગુરુદ્વારામાં જતા રોક્યા

Vikram-Doraiswami1

હાલમાં કેનેડા અને ભારતના વિવાદ વચ્ચે સ્કોટલેન્ડના ગ્લાસગોમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્કોટલેન્ડમાં ભારતીય હાઈકમિશનર વિક્રમ દોરાઈસ્વામીને ખાલિસ્તાનીઓએ 29 સપ્ટેમ્બરના રોજ ગ્લાસગોના એક ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતા. આ એ જ ગુરુદ્વારા છે જ્યાં ખાલિસ્તાન ગતિવિધિઓ અંગે દોરાઈસ્વામી ગુરુદ્વારા કમિટી સાથે બેઠક યોજવા આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભારતે બ્રિટનમાં ઉઠાવ્યો મુદ્દો

આ વાઈરલ વીડિયોમાં ખાલિસ્તાની સમર્થકો ગુરુદ્વારાની બહાર ભારતીય હાઈકમિશનર દોરાઈસ્વામીને ઘેરી વળ્યા છે અને તેમને ગુરુદ્વારામાં જતા રોકી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિક્રમ દોરઈસ્વામી દલીલ કરવાને બદલે ત્યાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો હતો. આ પછી એક કાર આવી અને દોરાઈસ્વામી તેમાં બેસી ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા. તેમ છતાં ખાલિસ્તાન સમર્થકોએ તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું બંધ ન કર્યું અને તેમને ત્યાં ક્યારેય ન આવવાની સૂચના પણ આપી હતી. લંડનમાં ભારતીય હાઈ કમિશન પર હુમલા બાદ આ બીજી મોટી ઘટના છે. આ મુદ્દાને બ્રિટનના વિદેશ કાર્યાલય અને પોલીસ સમક્ષ પણ ઉઠાવવામાં આવ્યો છે.

આ ઘટનાઓ પછી બ્રિટિશ સરકારે ભારતને લંડનમાં ભારતીય હાઈ કમિશન અને તેના કર્મચારીઓની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી છે. ભારતીય દૂતાવાસ પર થયેલ હુમલા બાદ પ્રથમ વખત NIAની ટીમ તપાસ માટે દેશની બહાર ગઈ હતી.

ઇન્સ્ટાગ્રામ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં કથિત રીતે ખાલિસ્તાની સમર્થક એક વ્યક્તિને અલ્બર્ટ ડ્રાઈવ પર ગ્લાસગો ગુરુદ્વારામાં પ્રવેશ કરતાં રોકતો જોઈ શકાય છે. હાલ, આ ઘટનાને લઈને લંડનમાં ભારતીય હાઈ કમિશન અને વિદેશ મંત્રાલય દ્વારા કોઈ ઔપચારિક પ્રતિક્રિયા સામે આવી નથી.