નમાઝ અને ઈદ-એ-મિલાદના જુલૂસમાં સામેલ થયા હતા, બલૂચિસ્તાનમાં જ 55 લોકોએ જીવ ગુમાવ્યા
નમાજ દરમિયાન થયો વિસ્ફોટ, મસ્જિદમાં ઓછામાં ઓછા 40થી 50 લોકો હતા, મસ્જિદની દિવાલ ધરાશાયી
પાકિસ્તાનમાં ફરી આત્મઘાતી હુમલો થવાની ઘટના સામે આવી છે. શુક્રવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મસ્જિદ પાસે આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 55 લોકોનાં મોત થયાં છે, જ્યારે 50 લોકો ઘાયલ થયા છે. આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો ઈદના જુલૂસ માટે એકઠા થયા હતા. ત્યાર બાદ ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં મસ્જિદમાં વિસ્ફોટ થવાના અહેવાલો મળી રહ્યા છે. બીજા વિસ્ફોટની ઘટનામાં 3થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે વિસ્ફોટના કારણે દિવાલ શરાયાઈ થતા ઘણા લોકો દબાયા હોવાની આશંકા છે. વિસ્ફોટ થયો ત્યારે મસ્જિદમાં 40થી 50 લોકો હતા. પોલીસે જણાવ્યું કે, આ આત્મઘાતી હુમલો હતો, જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. બલુચિસ્તાન બાદ ખૈબર પખ્તૂનખ્વામાં વિસ્ફોટ થયા બાદ પાકિસ્તાનની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે.

મળતી માહિતી મુજબ પહેલો વિસ્ફોટ બલૂચિસ્તાનના મસ્તુંગ શહેરમાં થયો હતો. બીજો અને ત્રીજો બ્લાસ્ટ ખૈબર પખ્તુનખ્વાના હંગુ શહેરમાં એક મસ્જિદ અને પોલીસ સ્ટેશનમાં થયો હતો. બંને આત્મઘાતી હુમલા હતા. અહીં એક પોલીસ અધિકારી સહિત ચાર લોકોના મોત થયા છે. પોલીસ અધિકારી નિસાર અહમદે જણાવ્યું કે, વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે, મસ્જિદની દિવાલ ધરાશાઈ થઈ ગઈ છે, જેમાં ઘણા લોકો દબાયા હોવાની આશંકા છે. 12 લોકોને બચાવી લેવાયા છે.

પાકિસ્તાનના કેરટેકર વડાપ્રધાન અનવર-ઉલ-હક કાકરે પણ હુમલાની નિંદા કરી છે. આ સિવાય રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પણ આ મામલે દુઃખ વ્યક્ત કર્યું છે. બલૂચિસ્તાનના મુખ્યમંત્રીએ સમગ્ર ક્ષેત્રમાં 3 દિવસના શોકની જાહેરાત કરી છે. આ સિવાય ઈદ-એ-મિલાદને ધ્યાનમાં રાખીને સમગ્ર પાકિસ્તાનમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

બલૂચિસ્તાનના કેરટેકર ઈન્ફોર્મેશન મિનિસ્ટર જન અચકઝઈએ કહ્યું કે તમામ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જરૂર પડશે તો તેમને કરાચી પણ ખસેડવામાં આવશે. ઘાયલોની સારવારની સંપૂર્ણ જવાબદારી સરકાર લેશે. અચકઝઈએ કહ્યું- અમારા દુશ્મનો વિદેશી દળોની મદદથી બલૂચિસ્તાનમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને શાંતિ ડહોંળવા માંગે છે. આવા હુમલાઓને સહન કરવામાં આવશે નહીં.

અત્યાર સુધી હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી. બલુચિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે TTPએ કહ્યું છે કે આ વિસ્ફોટ પાછળ તેમનો હાથ નથી.