રાજસ્થાનમાં ગેહલોત સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબી ગઈઃ મોદી
રાજસ્થાનની હવા ચેન્જ થઈ રહી છે, મોદી છે તો દરેક ગેરંટી પૂરી થશે : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજસ્થાનના મહાનગર જયપુરમાં “પરિવર્તન સંકલ્પ મહાસભા” સંબોધી હતી. જયપુરના સાંગોનર ગામે આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ સરકાર ઝીરો નંબર મેળવવા માટે હકદાર છે. આ કોંગ્રેસની રાજ્ય સરકારે યુવાનોના પાંચ વર્ષ બરબાદ કરી દીધા છે. વડાપ્રધાને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. PM મોદીએ કહ્યું કે- હું જે કહું છું તે કરીને દેખાડું છું. તેમણે કહ્યું કે- કોંગ્રેસ વન રેન્ક વન પેન્શન પર ખોટું બોલ્યા પરંતુ ભાજપ સરકારે તે લાગુ કર્યું. રાજસ્થાનના લોકોએ હવે નક્કી કરી લીધું છે કે, ગેહલોત સરકારને દૂર કરવામાં આવશે. ભાજપ સરકાર ફરીથી સત્તા પર આવશે.
PM મોદીએ પાર્ટીની જન આશીર્વાદ યાત્રાઓને સમાપન પછી ભાજપ કાર્યકર્તાઓના મહાકુંભમાં ભાગ લેવા માટે આજે ભોપાલ પહોંચ્યા. ભોપાલના જંબૂરી મેદાનમાં વડાપ્રધાન મોદીએ આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના કાર્યકર્તાઓને જીતવા માટેનો મંત્ર આપ્યો. આ સાથે જ વડાપ્રધાને રાજસ્થાનના જયપુરમાં પરિવર્તન સંકલ્પ મહાસભાને પણ સંબોધિત કરી.
જયપુરના લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું- અમે હવામાં વાતો નથી કરતા, કેમકે મોદીના પગ પૂરી મજબૂતીની સાથે જમીન પર જ રહે છે. તેથી છેલ્લા 9 વર્ષમાં અમે સામાન્યથી સામાન્ય લોકોની નાનામાં નાની મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે- અમે વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ ચલાવી રહ્યાં છીએ, રાજસ્થાન તેનો મોટો લાભાર્થી છે. રાજસ્થાનની સરહદવાળા ગામોમાં કોંગ્રેસે કોઈ જ સુવિધા આપી નથી. કોંગ્રેસવાળા કહે છે કે સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન બનાવવું જોઈએ, તેના કારણે દુશ્મનને અંદર આવવામાં સહેલાય થઈ જશે. કોંગ્રેસની આ નીતિનું અમને મોટું નુકસાન થયું છે. પરંતુ ભાજપ સરકાર હવે સરહદ પરના ગામોનો વિકાસ કરી રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે- જો કોંગ્રેસી આજ મહિલા અનામતની વાત કરી રહ્યાં છે, આ કામ તેઓ 30 વર્ષ પહેલા કરી શક્યા હોત. જ્યારે જ્યારે તક મળે ત્યારે કરી શક્યા હોત. પરંતુ સત્ય એ છે કે કોંગ્રેસી ક્યારેય ઈચ્છતા જ ન હતા કે મહિલાઓને 33% અનામત મળે.
વડાપ્રધાને કહ્યું કે- આજે હું જયપુર એવા સમયે આવ્યો છું જ્યારે દેશનું ગૌરવ નવા આસમાને છે. આજે આખી દુનિયામાં ભારતના સામર્થ્યવી વાહવાહી થઈ રહી છે. આપણું ચંદ્રયાન ત્યાં પહોંચ્યું જ્યાં દુનિયાનો કોઈ પણ દેશ પહોંચી નથી શક્યો. જી-20માં ભારતની સફળતાથી ભારતના વિરોધી દેશ પણ હેરાન-પરેશાન છે. વડાપ્રધાને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે- અહીં ડગલેને પગલે કરપ્શન છે. લાલ ડાયરીમાં કાળી કરતૂતો છે, દરેક લોકો કટ અને કમીશનમાં વ્યસ્ત છે. હું ઈચ્છું છું કે રાજસ્થાનમાં રોકાણ વધે, અહીં નવા કારખાના લાગે, નવી ફેક્ટરીઓ લાગે, આ જરુરી છે પરંતુ અહીં જાહેરમાં ગળા કાપવાની ઘટનાઓ ઘટી રહી છે. રાજસ્થાનમાં ભાજપ સરકાર બન્યા બાદ પેપર લીક માફિયા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. યુવાનોના ભવિષ્યની સાથે ખેલ ખેલનાર કોઈ પણ માફિયાને છોડવામાં નહીં આવે.