સીંગતેલનાં ભાવમાં ભડકો: ડબ્બાનો ભાવ 3100ને પાર, હજુ પણ ભાવ વધવાની શક્યતા

groundnut-oil

મગફળીની આવક ઘટતાં એક પણ મિલ રેગ્યુલર ચાલતી નથી
ગરીબ-મધ્યમવર્ગના લોકો માટે ગૃહિણીનું બજેટ વેરવિખેર થયું
મગફળીની આવક ઘટતાં સીંગતેલના ભાવમાં વધારો થયો હોવાનું જણાવ્યું

હાલમાં સીંગતેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. સતત સીંગતેલના વધતા ભાવને લઈને ગૃહિણીઓમાં ચિંતા છે. સીંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 3100ને પાર પહોંચી ચૂક્યો છે તેમજ હજુ પણ ભાવ વધવાની શક્યતા છે, ત્યારે ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિયેશનના પ્રમુખ સમીર શાહે આ ભાવવધારાનાં કારણો અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે મગફળીની આવક ઘટતાં સીંગતેલના ભાવમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, ઉત્તરપ્રદેશથી આવતી મગફળીની આવક ઘટતાં હાલ માલની ભારે અછત વર્તાઈ છે. માલના અભાવે 95 ટકા મિલો બંધ છે, માત્ર 5 ટકા જેટલી મિલો ચાલુ છે, જે પણ રેગ્યુલર ચાલુ રાખી શકાતી નથી. સામાન્ય રીતે બે મહિના ઉત્તરપ્રદેશથી આવતી મગફળી પર આધાર રાખવો પડતો હોય છે, પણ ચાલુ વર્ષે ત્યાં ધારણા કરતાં વરસાદ ખૂબ વહેલો થતાં પાકને મોટું નુકસાન થયું છે, જેને કારણે છેલ્લા બે મહિનામાં ઉત્તરપ્રદેશથી મગફળીની આવક નહીં હોવાને કારણે માલની અછત સર્જાઈ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસોથી નવી મગફળીની આવક ચાલુ થઈ છે. રાજકોટના તેમજ ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક થઈ રહી છે. જોકે આ મગફળી સીંગદાણામાં ચાલે છે. તેલ કાઢવા પીલાણ માટે ચાલે એવી મગફળી આવતી નથી. આ તમામ કારણોની સીધી અસર સીંગતેલના ભાવમાં જોવા મળી રહી છે.

તેમનુ કહેવુ છે કે મગફળીના કુલ ઉત્પાદન વિશે અત્યારથી કહેવું મુશ્કેલ છે, પણ ઉત્પાદન ઓછું આવશે એ નક્કી છે, કારણ કે શરૂઆતમાં સારો વરસાદ થયા બાદ દોઢેક મહિનો સાવ કોરો રહ્યો હતો. વરસાદ દ્વારા આવતા પાક અને સિંચાઈ દ્વારા થતા પાકની ગુણવત્તામાં પણ ઘણો ફરક પડી જાય છે. હાલમાં આવેલા વરસાદના રાઉન્ડથી થોડી રાહત થઈ છે, પણ આ રાઉન્ડ ઘણો મોડો આવ્યો હોવાથી ચાલુ વર્ષે મગફળીના ઉત્પાદનમાં ઘટાડો નિશ્ચિત છે, જેની સીધી અસર સીંગતેલના ભાવ પર પડવાની શક્યતા છે. એક ઓઈલ મિલ સંચાલક હોવાને કારણે સીંગતેલના ભાવોનું પ્રિડિક્શન ક્યારેય કરતો નથી. કોઈપણ ભાવની આગાહી કરી શકાય નહીં, કારણ કે એમાં ઘણાં પરિબળો કામ કરતાં હોય છે. મગફળીનો ઉપયોગ સીંગદાણા સહિતની અન્ય જગ્યાએ પણ થતો હોય છે. ત્યારે ભાવનો આધાર વપરાશની પેટર્ન પર પણ રહેતો હોય છે. અન્ય તેલનો ઉપયોગ કરતા લોકો સીંગતેલનો ઉપોયગ કરતા થાય તો સ્વાભાવિક રીતે માગ વધવાને કારણે ભાવો વધે છે. આ પેટર્ન કોઈ ડેટા પરથી નક્કી કરી શકાય નહીં, પરંતુ અન્ય તેલની સરખામણીએ સીંગતેલનો ભાવ ઊંચો રહેશે એવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કેતહેવારને કારણે સીંગતેલની ડિમાન્ડ વધારે છે, પરંતુ જેની પાસે મગફળી છે એ જરૂર પૂરતી જ મગફળીનો જથ્થો રિલીઝ કરી રહ્યા છે, જેના કારણે મિલોમાં પિલાણ માટે મગફળી ઓછી આવી રહી છે અને એના ઊંચા ભાવ છતાં ઓઈલ મિલરોને માલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને સીંગતેલનાં ભાવમાં તેજી આગળ વધવાની શક્યતા નકારી શકાય એમ નથી. ગરીબ-મધ્યમવર્ગના લોકો માટે સીંગતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીનું બજેટ વેરવિખેર થઈ ચૂક્યું છે.