કેનેડામાં રહેતા ભારતીયો અને સ્ટુડન્ટ્સો પ્રત્યે હેટક્રાઇમ વધી શકે છે
કેનેડાએ ભારત પર શીખ નેતાની હત્યાનો આરોપ લગાવતાં બંને દેશ વચ્ચે કડવાશ વધી છે. કેનેડામાં વધતી જતી ભારતવિરોધી ગતિવિધિઓ અંગે ભારત સરકારના વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે કેનેડામાં રહેતા ભારતીયો અને સ્ટુડન્ટ્સો ચેતી જાય, કારણ કે ત્યાં રહેતા ભારતીયો પ્રત્યે હેટક્રાઇમ વધી શકે છે, માટે કેનેડામાં રહેતા ભારતીયોએ અત્યંત સાવધાની રાખવી જોઈએ.
કેનેડા અને ભારતના વણસતા સંબંધો વચ્ચે બંને દેશના રાજદ્વારીઓને દેશ છોડવા આદેશ આપી દેવાયા છે, કારણ કે કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓને પોષણ મળી રહ્યું છે અને ભારતવિરોધી ગતિવિધિઓ ચાલી રહી છે.
કેનેડાના PM ટ્રુડોએ કેનેડાની સંસદમાં જણાવ્યું હતું કે શીખ સમુદાયના નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા ભારતે કરાવી છે. કેનેડા સરકારે ભારતના ડિપ્લોમેટને કેનેડામાંથી કાઢી મૂક્યા તો ભારતે પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. ભારતે કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદથી ધ્યાન હટાવવા કેનેડા સરકાર આવું કરે છે. ભારતે પણ કેનેડાના હાઇકમિશનરને દેશમાંથી કાઢી મૂક્યા છે.
ભારતીયો માટે કેનેડા અત્યારે એજ્યુકેશન હબ બની ગયું છે. કેનેડામાં લાખો ભારતીયો રહે છે અને સ્ટુડન્ટ પણ ત્યાં રહીને ભણે છે. આવામાં કેનેડાએ ભારત પર શીખ નેતાની હત્યાનો આરોપ લગાવતાં બંને દેશ વચ્ચે કડવાશ વધી છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા ભારતીય સ્ટુડન્ટ્સ અને ભારતના નાગરિકો માટે એવી એડવાઈઝરી જારી કરી છે કે કેનેડામાં ભારતવિરોધી ગતિવિધિઓ વધી રહી છે. માટે ત્યાં રહેતા સ્ટુડન્ટ્સ અને નાગરિકોએ સાવધાનીથી અને ચેતીને રહેવું જોઈએ. કેનેડામાં ભારતીયો પ્રત્યે હેટક્રાઈમમાં પણ વધારો થઈ રહ્યો છે, તેથી સતર્કતાથી રહેવું જરૂરી બની જાય છે.
તાજેતરના દિવસોમાં, એવું જોવામાં આવ્યું છે કે કેનેડામાં હાજર ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના ચોક્કસ વર્ગને ધમકી આપવામાં આવી રહી છે. આ એ લોકો છે જેઓ ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરે છે.
એડવાઈઝરી મુજબ – આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે અમારા નાગરિકોને સલાહ આપીએ છીએ કે તે વિસ્તારોમાં જવાનું ટાળે જ્યાં ભારત વિરોધી ગતિવિધિઓ થઈ છે. અમારું હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલ ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેનેડિયન સત્તાવાળાઓના સંપર્કમાં છે. કેનેડામાં બગડતી સુરક્ષા સ્થિતિને જોતા ત્યાં હાજર ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓ હાઈ કમિશન અને કોન્સ્યુલેટની વેબસાઈટ પર ફરિયાદ નોંધાવી શકે છે.