મેજર, કર્નલ અને DSPની શહાદતનો બદલો પૂરો, 2 આતંકવાદીઓના મૃતદેહ મળ્યા
એક સપ્તાહથી ચાલતી અનંતનાગ અથડામણ પૂર્ણ
મેજર, કર્નલ અને DSPની શહાદતનો બદલો પૂરો થયો છે. અનંતનાગમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબા (LET)નો આતંકવાદી ઉઝૈર ખાન ઠાર થયો છે. ADGP કાશ્મીર વિજય કુમારે મંગળવારે કહ્યું કે ઉઝૈર ખાન આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર હતો. તેનો મૃતદેહ મળી આવ્યો છે. સેનાને વધુ એક આતંકવાદીની લાશ પણ મળી આવી છે. આતંકી ઉઝૈર ખાન પર 10 લાખ રુપિયાનું ઈનામ જાહેર કરાયું હતું. ઉઝૈર ખાનના ખાતમાની સાથે જ એક સપ્તાહથી ચાલતી અનંતનાગ અથડામણ પણ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. પોલીસે સ્થાનિક લોકોને ઘટના સ્થળની નજીક ન જવાની અપીલ કરી છે.

વધુમાં કાશ્મીર ADG વિજય કુમારે જણાવ્યું કે હજુ તપાસ અભિયાન યથાવત રહેશે કેમકે ઘણાં વિસ્તારમાં ગોલાબારુદ પડ્યા છે અને તેને નષ્ટ કરવાના છે. તેમજ ક્યાંક કોઈ ત્રીજો આતંકવાદી પણ હોઈ શકે છે. પોલીસ અધિકારીઓનું માનવું હતું કે બેથી ત્રણ આતંકવાદીઓ જંગલ એરિયમાં છુપાયેલ છે. લોકોને આ વિસ્તારમાં ન જવાની સલાહ આપી છે. ઓપરેશન બુધવારે શરુ થયું હતું જ્યારે 19 રાષ્ટ્રીય રાયફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશીષ ઘોંચક અને જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારી હુમાયૂં ભટને આતંકવાદીઓએ શહીદ કર્યા હતા.
આ પહેલા સોમવારે સુરક્ષા દળોએ જંગલમાંથી બે મૃતદેહ મેળવ્યા હતા. તેમાંથી એકની ઓળખ જવાન પ્રદીપ સિંહ તરીકે થઈ છે. પ્રદીપ અનંતનાગમાં એન્કાઉન્ટરના પહેલાં દિવસે 13 સપ્ટેમ્બરથી ગુમ હતો. તે જ દિવસે કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધૌનચક અને ડીએસપી હુમાયુ ભટ આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા હતા. છેલ્લા એક સપ્તાહ દરમિયાન કાશ્મીરમાં ત્રણ સ્થળોએ એન્કાઉન્ટર થયા છે. જેમાં 5 જવાન શહીદ થયા છે. જેમાં અનંતનાગમાં 1 આતંકી, બારામુલ્લામાં 3 અને રાજૌરીમાં 2 એટલે કે કુલ 6 આતંકી માર્યા ગયા હતા.
જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ ઉઝૈર ખાન એ આતંકવાદીઓના ગ્રૂપમાં સામેલ હતો જેમણે 12 સપ્ટેમ્બરે ગલોડ ગામમાં જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાની એક સંયુક્ત ટીમ પર ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના બે વરિષ્ઠ અધિકારી અને જમ્મુ કાશ્મીર પોલીસ અધિકારી શહીદ થયા હતા. ઉઝૈર ખાન અંગે કહેવાય છે કે તે એક પ્રશિક્ષિત આતંકી હતો. આ ઉપરાંત તે અનંતનાગ વિસ્તારને સારી રીતે ઓળખતો હતો. આ જ કારણ છે કે તેણે ઘણાં દિવસ સુધી સિક્યોરિટી ફોર્સને હંફાવ્યા હતા.
અથડામણ પહેલા દિવસથી જ પ્રદીપ ગુમ હતા અને માનવામાં આવતું હતું તેઓ પણ શહીદ થયા છે. પોલીસે છેલ્લાં ત્રણ દિવસથી અભિયાન પર મૌન સાધ્યું હતું. આ પહેલા અહીં ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા છ દિવસથી ચાલી રહેલા આ આતંક વિરોધી અભિયાન દરમિયાન નષ્ટ થયેલા આતંકી ઠેકાણાંમાંથી એકની નજીક ડ્રોન ફુટેજમાં એક વ્યક્તિની લાશ સળગેલી હાલતમાં જોવા મળી હતી. તેમણે જણાવ્યું હતું કે સિક્યોરિટી ફોર્સ દ્વારા વિસ્તારમાં તપાસ કર્યા બાદ વધુ જાણકારી પ્રાપ્ત થશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાશ્મીર ક્ષેત્રમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ અત્યાર સુધીનું સૌથી લાંબુ ઓપરેશન છે. તે જ સમયે, જમ્મુ અને કાશ્મીરમાં આ ત્રીજી સૌથી લાંબું એન્કાઉન્ટર છે. 13 સપ્ટેમ્બરે ઓપરેશન શરૂ થયાને 100 કલાકથી વધુ સમય વીતી ગયો છે.