જુનાગઢના વિસાવદરમાં 4 કલાકમાં સાડા સાત ઈંચ, ભાભરમાં 5 ઈંચ, રાપરમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો

Rain

ગત 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો

ગત 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો જેમાં 18 તાલુકામાં 5થી 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો જ્યારે 92 તાલુકામાં 1થી 4 ઇંચ અને 94 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો હતો.

જ્યારે આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ રહ્યો હતો. આજે સવારથી જ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં જીલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ઉત્તર ગુજરાતમાં રાધનપુરમાં 6 ઇંચ અને ભાભરમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના 238 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે.

જૂનાગઢના વિસાવદરમાં માત્ર ચાર કલાકમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈ શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો મેંદરડામાં પણ સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા બે કલાકમાં માળિયા હાટિનામાં અઢી ઈંચ તો ભેસાણમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. આજનાં દિવસમાં સૌથી વધુ વરસાદ વરસ્યો. વિસાવદરમાં આજે 11 ઇંચ પડ્યો છે. આજે સવારથી મેઘરાજા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા છે. સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં 238 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં વિસાવદરમાં 11.7, મેંદરડામાં 7.2, રાધનપુરમાં 6.3 અને ભાભરમાં 5.7 ઇંચ વરસાદ નોંધાયો છે.

બીજી તરફ ખેડૂતોની જીવાદોરી સમાન ઓઝત-2 ડેમ પણ ઓવરફ્લો થયો હતો. ભાભરમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. તેમજ જૂનાગઢની સોનરખી નદી ગાંડીતૂર બની હતી. દામોદર કુંડ પણ ઓવરફ્લો થયો છે. આજે સવારથી રાજ્યના અમદાવાદ, અમરેલી, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, કચ્છ, ખેડા, મહેસાણા, મહિસાગર, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વલસાડમાં મેઘ મહેર જોવા મળી છે.

કચ્છમાં રાપર શહેર અને તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરીને એક કલાકના સમયમાં દે ધના ધન બેથી ત્રણ ઇંચ પાણી વરસાવી દીધું છે. મુશળધાર વરસાદ ખાબકી પડતાં માર્ગો પર જોશભેર પાણીના ધોધ વહી નીકળ્યાં છે, તો અનેક સ્થળે ખેતરો પાણી પાણી થઇ જવા પામ્યા છે. મોડી પણ મેઘ મહેરથી જગતનો તાત ખેડૂત ખુશખુશાલ બન્યો છે. ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદીમાં ભરપુર પાણીની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. જેના પગલે વહિવટી તંત્ર સહિત પોલીસ એક્શનમા આવી ગઈ છે. ખેડા-માતર રોડ પર આવેલી શેઢી નદીનો બ્રીજ હાલ અગણચેતીના ભાગરૂપે બંધ કરાયો છે. નડિયાદ -ડાકોર રોડ પર એક સાઈડનો બ્રીજ પણ બંધ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.

જુનાગઢ જિલ્લામાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગિરનાર પર્વત ઉપર ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે શહેરના દામોદર કુંડમાં નવા પાણીની આવક થઈ છે. તેમજ સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. દાતાર ડુંગર ઉપર ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી વિલીંગ્ડન ડેમ પણ ઓવરફ્લો થયો છે. સિઝનમાં સતત બીજી વખત ડેમ ઓવરફ્લો થયો છે.