શહીદ કર્નલ મનપ્રીતસિંહના ઘરે હજારોની સંખ્યામાં ભીડ જોવા મળી હતી
અનંતનાગ વિસ્તારમાં આતંકવાદી સામે થયેલ અથડામણમાં કર્નલ મનપ્રીતસિંહ શહીદ થયા હતા
જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ વિસ્તારમાં આતંકવાદીઓ સામેની અથડામણમાં શહીદ થયેલી કર્નલ મનપ્રીતસિંહનો પાર્થિવ દેહ પંજાબના મોહાલીમાં મુલ્લાંપુર સ્થિત તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. તેમને તેમના વતન મોહાલીમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ અંતિમ વિદાય સમયે શહીદ કર્નલ મનપ્રીતસિંહના ઘરે હજારોની સંખ્યામાં ભીડ જોવા મળી હતી, જે કર્નલના શહીદ થવા પર ખુબ જ દુ:ખમાં જોવા મળી હતી. સમગ્ર વિસ્તારમાં ભાવનાત્મક દ્રશ્યો જોવા મળતા હતા ત્યારે તેમના પરિવારના સભ્યો શોકમગ્ન થઈ ગયા હતા. આ દરમિયાન જે તસવીરે લોકોને ખુબ જ ભાવુક કર્યા હતા, તે કર્નલ મનપ્રીતસિંહના માસૂમ પુત્રની હતી. 6 વર્ષનાં દિકરાએ સેનાની વર્દી પહેરીને પિતાને સેલ્યુટ કરીને અંતિમ વિદાય આપી હતી. આંતકવાદીઓ સામે લડતી વખતે પોતાનો પ્રાણ ન્યૌછાવર કરનાર કર્નલને અંતિમ વિદાય આપતી વખતે મોહાલીમાં જે માર્મિક દ્રશ્યો જોવા મળ્યા તે હૃદયદ્રાવક હતા.
આ ઉપરાંત શહીદ કર્નલ મનપ્રીતસિંહની દિકરી પણ પિતાને સેલ્યુટ કરતા દેખાઈ હતી. કર્નલના બંને બાળકોની આ તસવીર જોઈને સૌ કોઈ ભાવુક થયા હતા. આ ઉપરાંત કર્નલની પત્ની જગમીત કૌરે પણ ભીની આંખે અંતિમ વિદાય આપી હતી. તેમની પત્નીએ જણાવ્યુ હતું કે કર્નલ મનપ્રીતસિંહ ત્રણ મહિના પહેલા જ રજા પર ઘરે આવ્યા હતા અને પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. હાલ તેમનો સમગ્ર પરિવાર તે રજા સમયે તેમની સાથે વિતાવેલો પળ યાદ કરી રહ્યા છે. તેમની પત્નીએ વધુમાં કહ્યું હતું કે દર બે દિવસે અમારી વાત ફોન પર થતી હતી પરંતુ બુધવારે જ્યારે તેમને કોલ કર્યો તો કહ્યું કે પછી વાત કરશું હાલ હું એક ઓપરેશન પર જઈ રહ્યો છું. આ સિવાય તેમના પિતાએ કહ્યું હતું કે કર્નલ મનપ્રીતસિંહના બાળકો માટે આ સમજવું મુશ્કેલ છે કે તેમના પિતા હવે રહ્યા નથી અને આ બલિદાન કેટલું મોટું છે. દીકરાની સેનાની વર્દી પહેરવી અને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર પોતાના પિતાને સલામીના આ દ્રશ્યો સૌને ભાવુક કરી દીધા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.