જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આજે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો જ્યારે સર્ચ-ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેમનાં પર ગોળીબાર કર્યો, જેમાં કર્નલ મનપ્રીત સિંહ શહીદ થયા છે તો બીજી તરફ રાજૌરીમાં સોમવારથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે, જેમાં બે આતંકવાદી ઠાર થયા છે એક જવાન અને એક SPO શહીદ થયા છે. આ ઓપરેશનમાં સેનાનો એક કેન્ટ નામનો ડોગ પણ શહીદ થયો છે. પોતાના હેન્ડલરનો જીવ બચાવવા તેણે પોતાનો જીવ આપ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, સુરક્ષા દળોને આ વિસ્તારમાં 3-4 આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી ત્યાં સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યાર બાદ એન્કાઉન્ટર શરૂ થયું. ADG મુકેશ સિંહે કહ્યું હતું કે ખરાબ હવામાન હોવા છતાં સુરક્ષા દળોએ આખી રાત રાજૌરી શહેરથી 75 કિમી દૂર વિસ્તારને ઘેરી લીધો હતો અને સવારે આસપાસના વિસ્તારોમાં સઘન શોધખોળ શરૂ કરી હતી. સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે 11 સપ્ટેમ્બરની સાંજે પતરાડાના જંગલ વિસ્તારમાં સર્ચ અને કોર્ડન-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં બે વ્યક્તિની શંકાસ્પદ પ્રવૃત્તિને જોતાં તેમની ઉપર કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું પરંતુ બંને આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા.
આ વર્ષે અત્યારસુધીમાં સુરક્ષા દળોએ રાજૌરી-પૂંચ જિલ્લામાં 26 આતંકવાદીને ઠાર કર્યા છે. 10 સુરક્ષાકર્મી પણ શહીદ થયા છે.