ચાર મહિનામાં પૃથ્વીથી 15 લાખ કિમી દૂર પહોંચશે, અહીં પહોંચવામાં લગભગ 120 દિવસ લાગશે
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) સૂર્યનો અભ્યાસ કરવા માટે 2 સપ્ટેમ્બરે સવારે 11:50 વાગ્યે એનું સૌર મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. એનું નામ આદિત્ય L1 રાખવામાં આવ્યું છે. ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે પ્રથમ સોલર મિશન આદિત્ય-L1ને લોન્ચ કરવા માટે તૈયાર છે. ઈસરોએ સોમવારે આ જાણકારી આપી છે. ઈસરોના ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે, ઈસરો સૂર્ય મિશન માટે સેટેલાઈટ આદિત્ય-L1ને લઈને તૈયાર છે
ઈસરોએ જણાવ્યું કે, સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ ભારતીય સેટેલાઈટ આદિત્ય-L1 મિશન 2 સપ્ટેમ્બરના રોજ સવારે 11:50 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. આદિત્ય એલ1 સૂર્યની આસપાસ રચાતા કોરોનાના રિમોટ ઓબ્ઝર્વેશન માટે બનાવવામાં આવ્યું છે. શ્રીહરિકોટાથી PSLV-XL રોકેટ દ્વારા આ યાનને અવકાશમાં મોકલવામાં આવશે. આદિત્ય-L1 શ્રીહરિકોટાથી સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ સેટેલાઈટ હશે. આદિત્ય L1 એટલે કે સૂર્ય-પૃથ્વીના લેગ્રેન્જિયન પોઈન્ટ પર રહીને સૂર્ય પર ઉદભવતાં તોફાનોને સમજી શકશે. આ પોઈન્ટ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે. અહીં પહોંચવામાં લગભગ 120 દિવસ એટલે કે 4 મહિના લાગશે. આદિત્ય-L1 વિવિધ વેબ બેન્ડ્સમાંથી સાત પેલોડ્સ દ્વારા લેગ્રેન્જિયન પોઇન્ટની આસપાસ ભ્રમણ કરશે, ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૌથી બહારના સ્તર, કોરોનાનું પરીક્ષણ કરશે.
ઈસરોના જણાવ્યા અનુસાર, આદિત્ય L1 એ દેશની સંસ્થાઓની ભાગીદારી સાથે કરવામાં આવનારો સંપૂર્ણ સ્વદેશી પ્રયાસ છે. બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ (IIA) વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફે તેના પેલોડ્સ બનાવ્યા. જ્યારે ઈન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ પુણેએ મિશન માટે સોલર અલ્ટ્રાવાયોલેટ ઈમેજર પેલોડ વિકસાવ્યું છે. આદિત્ય યાનને સૂર્ય અને પૃથ્વીની વચ્ચે હાલો ઓર્બિટમાં મૂકવામાં આવશે. ઈસરોનું કહેવું છે કે L1 પોઈન્ટની ફરતે હેલો ઓર્બિટમાં રાખવામાં આવેલું સેટેલાઇટ કોઈપણ ગ્રહણ વિના સૂર્યને સતત જોઈ શકે છે. આની મદદથી રિયલ ટાઈમ સોલર એક્ટિવિટીઝ અને સ્પેસ વેધર પર પણ નજર રાખી શકાશે.
લેગ્રેન્જ પોઈન્ટ 1 સામાન્ય રીતે L-1 તરીકે ઓળખાય છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે આવા પાંચ પોઈન્ટ છે, જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સંતુલિત છે અને કેન્દ્રત્યાગી બળનું નિર્માણ થાય છે. આવી સ્થિતિમાં જો કોઈ વસ્તુને આ સ્થાન પર રાખવામાં આવે તો તે બંને વચ્ચે સરળતાથી સ્થિર રહે છે અને ઊર્જા પણ ઓછી રહે છે. પ્રથમ લેગ્રેન્જ પોઈન્ટ પૃથ્વી અને સૂર્ય વચ્ચે 15 લાખ કિમી અંતરે છે. આદિત્ય L1ના પેલોડ્સ કોરોનલ હીટિંગ, કોરોનલ માસ ઇજેક્શન, પ્રી-ફ્લેર અને ફ્લેર પ્રવૃત્તિઓની લાક્ષણિકતાઓ, પાર્ટિકલ્સની હિલચાલ અને અવકાશના હવામાનને સમજવા માટે માહિતી પ્રદાન કરે એવી અપેક્ષા છે.