એશિયા કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા કેપ્ટન અને હાર્દિક પટેલ વાઈસ કેપ્ટન

asia cup team india

કે.એલ.રાહુલ, શ્રેયસ અય્યર અને બુમરાહનું કમબેક, સેમસન સ્ટેન્ડબાય પ્લેયર, ચહલને ટીમમાં સ્થાન મળ્યું નથી

એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે તેવામાં ઇન્ડિયન ક્રિકેટ ફેન્સ જે દિવસની રાહ જોઈ રહ્યા હતા, તે સમય આખરે આવી ગયો છે. આજે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)એ એશિયા કપ 2023 માટે ઇન્ડિયન ટીમ જાહેર કરી છે. એશિયાકપ 2023 માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ફાઈનલ થઈ ચૂક્યા છે. જેમાં ફરી એકવખત રોહિત શર્માની કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે જ્યારે હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. એશિયા કપ માટે 17 ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે.

BCCIએ નવી દિલ્હીમાં સોમવારે બપોરે 1.30 વાગ્યે બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં ટીમ વિશે માહિતી આપી હતી. પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટન રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકર હાજર હતા. ટીમની કેપ્ટનશીપ રોહિત શર્માને સોંપવામાં આવી છે. હાર્દિક પંડ્યા ટીમનો વાઇસ કેપ્ટન રહેશે. વિકેટકીપર કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા છે. નંબર-4ની સૌથી ચર્ચિત પોઝિશન પર શ્રેયસની સાથે બેટર સૂર્યકુમાર યાદવ અને 20 વર્ષીય તિલક વર્માની પણ પસંદગી કરવામાં આવી છે. શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની વાપસી ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈનઅપને મજબૂત બનાવશે. કે.એલ. રાહુલ પાસે પાંચમા નંબરની જવાબદારી રહેશે. રાહુલ વિકેટકીપિંગની પણ કાળજી લેતો જોવા મળશે. રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર તરીકે રમશે. કુલદીપ યાદવે નંબર વન સ્પિનરનો ખિતાબ હાંસલ કર્યો છે. તેને સમર્થન આપવા માટે અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જસપ્રિત બુમરાહની વાપસીથી ભારતનું ફાસ્ટ બોલિંગ આક્રમણ વધુ મજબૂત થવા જઈ રહ્યું છે. બુમરાહ ઉપરાંત મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે જ્યારે યુઝવેન્દ્ર ચહલને એશિયા કપ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી.

એશિયા કપ 30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે. ભારતની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે થશે. આ ટૂર્નામેન્ટમાં ભારતને પાકિસ્તાન અને નેપાળની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. તેમજ શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. તે જ સમયે, ટીમ ઈન્ડિયા 2023 એશિયા કપમાં તેની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે. એશિયા કપની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરના રોજ રમાવાની છે. જ્યારે પાકિસ્તાન દેશમાં માત્ર ચાર મેચ જ રમાશે. જ્યારે ફાઈનલ સહિત નવ મેચ શ્રીલંકામાં રમાશે. ભારતીય ક્રિકેટ ટીમ પહેલી મેચ પાકિસ્તાન સામે રમશે. જે શ્રીલંકામાં કેન્ડીમાં રમાશે. એ પછી ભારતીય ક્રિકેટ ટીમની બીજી મેચ નેપાળ સામે રમાશે. ભારત, પાકિસ્તાન અને નેપાળ એક જ ગ્રુપમાં છે.

એશિયાકપમાં હંમેશા ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો જોવા મળ્યો છે. અત્યાર સુધી આ ટુર્નામેન્ટની 15 સીઝન થઈ છે. જેમાંથી સાત વખત ટીમ ઈન્ડિયા આ ટાઈટલ મેળવવામાં સફળ થઈ છે. જ્યારે પાકિસ્તાને બે વખત આ ટાઈટલ જીત્યો છે. ફાઈનલ સુધી ટીમ ઈન્ડિયા રમી જાય છે તો કુલ 6 મોટી મેચ રમવાનો ચાન્સ છે.

ટીમમાં રાહુલ અને ઐયરને જોરદાર કમબેક મળ્યું છે. રાહુલે આ વર્ષે 22 માર્ચે ભારત માટે છેલ્લી વનડે રમી હતી. આ પછી તે IPL રમવા ગયો, પરંતુ મે મહિનામાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો. આ પછી તેની સર્જરી થઈ અને હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે તૈયાર છે. ઐયર અને રાહુલની ટીમમાં વાપસી થવાને કારણે મીડલ ઓર્ડર મજબુત બન્યો છે. સ્પિનર તરીકે યુજવેન્દ્ર ચહલ, વિકેટકિપર તરીકે સંજુ સેમસન તથા ફાસ્ટ બોલર તરીકે ઉમરાન મલિકને કોઈ સ્થાન અપાયું નથી ત્યારે સેમસનને માત્ર બેકઅપ વિકેટકિપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

બુમરાહ હાલમાં આયર્લેન્ડ સામેની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રવિવાર સુધી ભારતે 3 T20 શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ત્રીજી મેચ 23 ઓગસ્ટે રમાશે, ત્યારબાદ બુમરાહ, તિલક અને પ્રસિદ્ધ ભારત પરત ફરશે. આ ત્રણેય ખેલાડીઓ 25 ઓગસ્ટે બેંગલુરુમાં એશિયા કપ માટે બાકીની ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગ એટેકને લીડ કરશે. તેની સાથે મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજ પણ હશે. શમીએ આ વર્ષે જૂનમાં ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. જ્યારે સિરાજ વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ શ્રેણી બાદ ભારત પરત ફર્યો હતો. પ્રસિદ્ધ કૃષ્ણની પણ પસંદગી કરવામાં આવી છે. તે હાલમાં આયર્લેન્ડમાં જ છે. ઓલરાઉન્ડર્સમાં જાડેજાની સાથે અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર બંનેની પસંદગી કરવામાં આવી છે. સ્પિનરોમાં કુલદીપ યાદવની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે યુઝવેન્દ્ર ચહલને સ્થાન મળ્યું ન હતું. ચહલે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં એક પણ વનડે રમી ન હતી, જ્યારે કુલદીપને 8માંથી 7 લિમિટેડ ઓવર્સની મેચમાં તક મળી હતી.

ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લઈ રહી છે. 3-3 ટીમોને 2 જૂથોમાં વહેંચવામાં આવી છે. અહીંથી 4 ટીમો ક્વોલિફાય થશે અને સુપર-4 સ્ટેજમાં પહોંચશે. સુપર-4 સ્ટેજમાંથી 2 ટીમો ફાઇનલમાં પહોંચશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે. એશિયા કપમાં ભારતીય ટીમ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓની યાદીઃ
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શુભમન ગીલ, ઈશાન કિશન, શ્રેયર ઐયર, કે.એલ. રાહુલ (વિકેટકિપર) સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના, સંજુ સેમસન (વિકેટકિપર).

એશિયા કપ 2023 ટાઈમ ટેબલ :

તારીખમેચ અને સ્થળ
30 ઓગસ્ટપાકિસ્તાન વિ. નેપાળ (મુલ્તાન)
31 ઓગસ્ટબાંગ્લાદેશ વિ.શ્રીલંકા (કેન્ડી)
2 સપ્ટેમ્બરભારત વિ.પાકિસ્તાન (કેન્ડી)
3 સપ્ટેમ્બરબાંગ્લાદેશ વિ.અફઘાનિસ્તાન (લાહોર)
4 સપ્ટેમ્બરભારત વિ.નેપાળ (કેન્ડી)
5 સપ્ટેમ્બરશ્રીલંકા વિ.અફઘાનિસ્તાન (લાહોર)
6 સપ્ટેમ્બરA1 વિ. B2 (લાહોર)
9 સપ્ટેમ્બરB1 વિ. B2 (કોલંબો)
10 સપ્ટેમ્બરA1 વિ. A2 (કોલંબો)
12 સપ્ટેમ્બરA2 વિ. B1 (કોલંબો)
14 સપ્ટેમ્બરA1 વિ. B1 (કોલંબો)
15 સપ્ટેમ્બરA2 વિ. B2 (કોલંબો)
17 સપ્ટેમ્બરફાઇનલ (કોલંબો)