ગુજરાત DGPના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઈ છે
પોલીસની સરકારી ગાડી ચલાવતા ડ્રાઈવર સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી
ગઈ કાલે ગુજરાત DGP વિકાસ સહાયે સત્તાવાર પરિપત્ર જાહેર કરીને કહ્યું હતું કે હવે ખુદ પોલીસને પણ ટ્રાફિકના કાયદા તેમજ નિયમોનું સંપૂર્ણ ચુસ્તપણે પાલન કરવુ પડશે. તેમનાં આદેશ અનુસાર આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી ગઈ છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે પોલીસ જવાનોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવવા માટે સ્પેશિયલ પોલીસ ડ્રાઇવ કરવામાં આવી હતી. ટ્રાફિક એસીપીની અધ્યક્ષતામાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પોલીસની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનારા પોલીસ જવાનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં હવે પોલીસ જ પોલીસ જવાનોને કાયદાનું ભાન કરાવી રહી છે. આ ડ્રાઈવમાં પોલીસની સરકારી ગાડી ચલાવતા ડ્રાઈવર સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ DGP વિકાસ સહાયે કહ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે વાહન અધિનિયમની જુદી જુદી કલમોની જોગવાઈઓ મુજબ અમલવારી જનતા પાસે કરાવવામાં આવે છે તો તે મુજબના નિયમોનું પાલન પણ હવે તમામ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ પણ કરવાનું રહેશે. વધુમાં ડીજીપીએ કહ્યું કે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જ્યારે યુનિફોર્મમાં હોય તે દરમિયાન તો ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા નિર્દેશ કર્યો હતો. ડીજીપી એ જણાવ્યું હતું કે ગાડીમાં સીટબેલ્ટ સહિતના નિયમોનું પણ પાલન કરવા સૂચના આપવામાં આવી છે. તો સાથે સાથે, પોલીસ કર્મીઓની કારમાં રહેલી બ્લેક ફિલ્મ દુર કરવા પણ કહેવામાં આવ્યું હતું. સાથે સાથે એક વાહન પર ત્રણ સવાર ન જવા પણ સૂચના આપવામાં આવી હતી. પોલીસ લાઈન અને પોલીસ મથક તેમજ પોલીસ કચેરીમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી.