ડુંગળીના ભાવોને અંકુશમાં રાખવા સરકારનો મોટો નિર્ણય : ડુંગળી પર 40% એક્સપોર્ટ ડ્યૂટી 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે, અગાઉ સરકારે ખુલ્લા માર્કેટમાં 3 લાખ ટન ડુંગળી જારી કરવાનો નિર્ણય કર્યો હતો
ટામેટાના ભાવ હવે નીચે આવવા લાગ્યા છે. જોકે ટામેટાં હજુ પણ 100 રૂપિયા પ્રતિ કિલોથી વધુ ભાવે વેચાઈ રહ્યા છે. આ દરમિયાન ડુંગળીના ભાવ વધવાની સંભાવનાને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ડુંગળી પર 40 ટકા એક્સપોર્ટ ડ્યુટી લગાવવાની જાહેરાત કરી છે. આ માટે સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે, ડુંગળી પર 40 ટકા એક્સપોર્ટ ડ્યુટી લગાવાઈ છે, જે 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.
ડુંગળીના ભાવ ટામેટાંની જેમ આસમાને ન જાય તે માટે સરકાર પહેલેથી જ અલગ-અલગ પગલાં લઈ રહી છે. સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લગાવી છે. શનિવારે જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર 31 ડિસેમ્બર સુધી ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવશે. એટલે કે વિદેશમાં ડુંગળી વેચવા પર વેચનારને 40 ટકા ફી સરકારને ચૂકવવી પડશે.
કેન્દ્ર સરકારે ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે, સરકાર બફર સ્ટોક દ્વારા ખુલ્લા માર્કેટમાં 3 લાખ ટન ડુંગળી જારી કરશે. સરકારનું માનવું છે કે, એક સાથે 3 લાખ ટન ડુંગળી માર્કેટમાં આવવાથી અછત દુર થશે. આમ કરવાથી વધતી કિંમત પર પણ અંકુશ મુકી શકાશે. પરંતુ સરકારના આ નિર્ણયથી ખેડૂતો નારાજ થયા છે. મહારાષ્ટ્રના ડુંગળી ઉત્પાદક ખેડૂતોએ આંદોલન કરવાની ચેતવણી આપી છે. ખેડૂતોનું કહેવું છે કે, જો સરકાર તેમનો નિર્ણય પરત નહીં ખેંચે તો તેઓ રસ્તાઓ ઉપર ઉતરી આંદોલન કરશે.
સરકારના ડેટા મુજબ ડુંગળીની કિંમતોમાં વધારો ઓગસ્ટ મહિનાથી શરૂ થઈ ગયો છે. 10 ઓગસ્ટે દેશભરમાં ડુંગળીની સરેરાશ કિંમત કિલોએ 27.90 રૂપિયે પહોંચી ગઈ હતી, જે ગત વર્ષની તુલનાએ 2 રૂપિયા વધુ છે. થોડા દિવસે પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે, દેશમાં સપ્ટેમ્બરમાં ડુંગળીની કિંમતો વધી જશે. 25થી 30 રૂપિયે કિલો મળતી ડુંગળી આગામી મહિને 60થી 70 રૂપિયે કિલો વેચાવા લાગશે, જેના કારણે મોંઘવારી વધશે. આ જ કારણે સરકારે 31 ડિસેમ્બર સુધી ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લગાવી દીધી છે.